ઉના, તા.૪
ઉના તાલુકાના સામતેર અને આજુબાજુના સોથી દોઢસો જેટલા શાળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નિયમિત રીતે દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉનાની વિવિધ સ્કુલોમાં ઉચ્ચ માધ્યમિક તેમજ કોલેજોમાં શિક્ષણ મેળવવા આવતા હોય આવા વિદ્યાર્થીઓ એસ.ટી પાસ બારેમાસ માટે અગાઉથી કઢાવી લેતા હોય અને આ વિદ્યાર્થીઓ વહેલી સવારના ઉઠી નેશનલ હાઇવે પર આવેલ બસસ્ટોપ પાસે કલાકો સુધી બસની રાહમાં ઉભા હોય અને જાફરાબાદ -રાજુલા વિસ્તારમાંથી ઉના તરફ આવતી બસોમાં બેસી ઉના આવતા હોય છે. તેમજ ઉના ડેપોની લોકલ બસ અનિયમિત ચાલતી હોય આ બસો સમયસર ન આવતા અને અન્ય તાલુકાના ડેપોની બસો સનખડા-,સમતેર બસસ્ટેન્ડ પર સ્ટોપ હોવા છતાં બસો રોકવામાં ન આવતા વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત પહોંચી શકતા ન હોય તેના કારણે કેટલાક વિષયનો અભ્યાસ છુટી જતા હોય આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજુઆતો કરાતી હોવા છતાં રેઢીયાળ એસ.ટી તંત્રના અધિકારીઓ વિદ્યાર્થીઓના પ્રશ્નનો નિકાલ ન લાવતા તેમજ વિદ્યાર્થીઓ પાસ ધરાવતા હોવા છતા તેને અન્ય ખાનગી વાહનોમાં આવવાની ફરજ પાડતા હોય તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભુકી ઉઠતા અચાનક સામતેર ગામ પાસે વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે રાખી નેશનલ હાઇવે પરથી પસાર થતી એસ.ટી બસોને રોકાવી ચક્કાજામ કરી દેવાતા કલાકો સુધી નેશનલ હાઇવે ઉપર ટ્રાફીક જામ થઇ જતા દેકારો મચી ગયેલો અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ રજુઆત કરવા ઉના દોડી આવેલ હતા. પરંતુ ઉના ડેપોમાં રજવાડા વયા ગયા પછી પણ રાજાશાહીમાં જીવતા સરકારી બાબુઓ ન દેખાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.