ઉના, તા.૩૦
ઉના તાલુકાના નાના એવા અંજાર ગામમાં ચોરી કરવા ખેડૂતના ઘરમાં ઘૂસેલા તસ્કરોનો સામનો કરનાર ખેડૂત પર જીવલેણ હુમલો કરી તસ્કરો નાશી ગયાની ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના અંજાર ગામે રહેતા લાખાભાઇનાં પુત્ર દિનેશ એક રૂમમાં સૂતો હતો અને લાખાભાઇ પોતે બીજા રૂમમાં સુતા હતા અને ચોરી કરવાના ઇરાદે આવેલા તસ્કરોએ ઘરમાં પ્રવેશતા જીણાભાઇના મોઢા પર સ્પ્રે છાંટી દિધેલ અને બાદમાં દિનેશ જે રૂમમાં સુતો હતો તે રૂમ બહારથી બંધ કરી દેતા દિનેશની આંખ ખૂલી જતા તે રૂમની બહાર આવવા તુરંત જ તેમણે તેમના પિતા લાખાભાઇને ફોન કરેલ અને લાખાભાઇ રૂમમાંથી બહાર આવી રાડા રાડ કરતા તસ્કરો નાશવા લાગ્યા હતા. જેમાં બે તસ્કરો લાખાભાઇની પકડમાં આવી ગયા હતા જ્યારે અન્ય એક તસ્કર નજીકની ઝાડની વાડમાં લપાઇ ગયો હતો. તસ્કરોએ પકડાઇ જવાની બીક લાગતા તેમણે પાછળથી આવી લાખાભાઇના માથા પર બેથી ત્રણ લાકડાંના ધોકા મારી દેતા તે લોહી લોહાણ હાલતમાં પડી ગયા હતા. આ તકનો લાભ લઇ તસ્કરો નાશી છૂટ્યા હતા. બાદમાં આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક લાખાભાઇને સારવાર અર્થે ઉના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતા. બાદમાં આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા રાબેતા મુજબ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું રટણ સાંભળવા મળી રહ્યા છે.