(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
જામિયા મિલ્લિયા યુનિવર્સિટીમાં પોલીસની બર્બરતાનો ઘણા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. એવા જ એક વિદ્યાર્થીની આંખમાં દંડો વાગતા તેની આંખની રોશની જતી રહી હતી. બિહારમાં રહેતા અને જામિયામાં એલએલએમ કરી રહેલા ૨૬ વર્ષીય વિદ્યાર્થી મીનહાઝઉદ્દીન જામિયા લાઇબ્રેરીમાં બેસીને વાંચી રહ્યો હતો કે, અચાનક ૨૫ પોલીસ સાથે મળીને લાઈબ્રેરી પર હુમલો કર્યો હતો અને ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
મીનહાઝઉદ્દીને પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રવિવારે ઘણા વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં બેસીને વાંચી રહ્યા હતા કે અચાનક ૨૦-૨૫ પોલીસના જવાનો અંદર આવીને વિદ્યાર્થીઓ પર લાઠીઓ વિંજવા લાગ્યા હતા અને અચાનક હુમલો થતા તેને દાઢી પર દંડો વાગ્યો હતો અને જયારે બીજો દંડો મને સીધી મારી ડાબી આંખમાં વાગ્યો. બધા લોકો બચવા માટે ભાગી રહ્યા હતા અને સાથે હું પણ વોશરૂમની જગ્યાએ ગયો જ્યાં હું ઘાયલ થતા જ ત્યાંજ ઢળી પડ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ મને મદદ કરતા તેઓ કેમ્પસથી બે કિલોમીટર દૂર હોસ્પિટલ લઈને ગયા હતા. ડૉક્ટરે મેડિકલ રિપોર્ટ જોઈને જણાવ્યું કે, મીનહાઝઉદ્દીનની ડાબી આંખની રોશની જતી રહી છે, આંખની કોર્નિયા ફાટી જવાથી હાલમાં તે ડૉક્ટરની દેખરેખમાં રહશે અને ડૉક્ટરે ખાતરી આપતા કહ્યું છે કે, થોડા દિવસ તેની આંખમાં સોજો રહેશે ત્યારબાદ આંખ સામાન્ય થઈ જશે. જો કે, મીનહાઝઉદ્દીને કહ્યું કે, તેઓ કાયદાકીય કાર્યવાહી કરવાનું પ્લાન કરી રહ્યા છે.