(સંવાદદાતા દ્વારા) ધંધુકા,તા.ર૯
ધંધુકા ખાતે તા.ર૮ના રોજ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઝીણાભાઈ વનરાવનભાઈ પટેલના પરિજનોએ તેમના મૃત્યુના શોકના ભાર સાથે મૃતકની આંખોને દાન કરવાની વાત સરકારી હોસ્પિટલમાં કરતા જ ડો.અસારીએ તાત્કાલીક ચક્ષુ બેંકના કર્મચારીઓને બોલાવીને મૃતકની બંને આંખોનું દાન કર્યું હતું.
મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના પચ્છમ ગામના વતની ઝીણાભાઈ વનરાવનભાઈ પટેલ (ઉ.વ.૬૦) તા.ર૮ના રોજ રોજીંદા ક્રમ મુજબ પચ્છમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી ઈકો કાર સાથે તેમના બજાજ સ્કૂટીનો અકસ્માત થતા ગંભીર ઈજાઓ થતા તેઓે ઘટના સ્થળે જ અંતિમશ્વાસ લીધો હતો. અકસ્માતના સમાચાર જાણીને પચ્છમ અને ધંધુકામાં રહેતા તમામ પરિજનો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ થનાર હતું તે અગાઉ જ તમામ પરિજનોએ એકત્ર થઈને શોકગ્રસ્ત મુદ્રાઓ સાથે કોઈ ગંભીર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચાના અંતે તમામ પરિજનોએ એવો માનવતાવાદી નિર્ણય કર્યો કે મૃતક ઝીણાભાઈની બંને આંખોનું દાન કરવું છે. આ વાત સાંભળતા જ સરકારી હોસ્પિટલના ડો.અસારીએ ચક્ષુ બેંકને જાણ કરી હતી. જેથી ગણતરીના કલાકોમાં જ ચક્ષુ બેંકની ટીમ આવી પહોંચી અને ઝીણાભાઈની બંને આંખો કોઈ બીજા આંખ વિહોણાને આપીને દેખતો કરવા માટે લઈ ગયા હતા. આમ જીવ ગુમાવ્યા બાદ પણ જો મનમા માનવતાનો વિચાર આવે તો ચોક્કસ અન્ય કેટલાયને મદદ કરી શકાય છે. તેનું જીવંત ઉદાહરણ પચ્છમના પટેલ પરિવારે પુરૂ પાડ્યું હતું. આમ સ્વજનના મૃત્યુના વિરહને કોરાણે મુકીને કોઈ આંખ વિહોરણાને આ આંખો થકી દુનિયા જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવા આશયથી કરાયેલું ચક્ષુ દાન સમાજને નવો રાહ ચીંધનારૂ બની રહેશે.