(એજન્સી)
નવી દિલ્હી, તા.૪
દિલ્હીના રઘુવીરનગરના એક પરિવારે ૪ મહિના પહેલાં પોતાના ર૩ વર્ષના પુત્ર અંકિત સક્સેનાને ગુમાવ્યો હતો. કારણ કે તેણે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ કર્યો હતો. પરંતુ આ દુઃખની વચ્ચે અંકિતના પરિવારે કોમી સોહાર્દૂન ઉદાહરણ પૂરું પાડતા રમઝાનના આ પવિત્ર મહિના દરમિયાન ઈફતારનું આયોજન કર્યું હતું.
આ ઈફતારનું આયોજન અંકિતની યાદમાં બનાવવામાં આવેલ ટ્રસ્ટ, તેના મિત્રો, કુટુંબીજનો અને પાડોશીઓની મદદથી કરવામાં આવ્યું હતું.
અંકિતની યાદમાં આયોજિત ઈફતારમાં અલગ-અલગ ધર્મના લોકો જોડાયા હતા. ઈફતારનો ઉદ્દેશ્ય પ્રેમ અને એકતા કાયમ રાખવાનો હતો. આ પ્રસંગે બીઆરડી મેડિકલ કોલેજના ડો. કફીલ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, આટલું બધું થયાં છતાં અંકિતના પિતા યશપાલજીએ આ ઈફતાર પાર્ટી આયોજી ઘણો મોટો સંદેશ આપ્યો છે. અંકિતના પિતાએ કહ્યું કે, એ આ ઈફતારનું આયોજન ખાલી ઔપચારિકતા ખાતર નથી કર્યું. હું ખરેખર સમાજને એકતાનું ઉદાહરણ પૂરું પાડવા માંગું છું. અંકિતની દયાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન ન કરવામાં આવે.