અંકલેશ્વર, તા.૧૮
અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની બેગ બનાવતા ઉદ્યોગકારને પ્લાસ્ટિકના દાણા ખરીદવાના બહાને રાજસ્થાન બોલાવી બંધક બનાવી રૂપિયા ૧૩ લાખ ૭૨ હજારનીની મત્તાની ખંડણી વસૂલ કરી ગઠિયાઓની ટોળકી પલાયન થઇ ગઈ હોવાની ફરિયાદ જીઆઇડીસી પોલીસ મથકે નોંધવા પામી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લાસ્ટો ટેક પોલીમર્સ નામની પ્લાસ્ટીકની બેગ બનાવતા કંપનીના સંચાલક રજનીશ દામજી બારિયા ગત તારીખ -૧૩ મી જુલાઈના રોજ રાજસ્થાનના અલવર ખાતે દિલ્હીના રહીશ અમિત મિશ્રા, મોહિત તેમજ દિનેશ કુમાર તેમજ અન્ય ૫ જેટલા અજાણ્યા ઈસમોએ પ્લાસ્ટિકના દાણાનો સોદો કરવા બોલાવ્યા હતા. રજનીશ બારીયા તેમના ૨ સંબંધી સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ચોપાકી ભીવારી નામના વિસ્તારમાં એક અજ્ઞાત જગ્યાએ સોદાના બહાને લઈ જઈ બંધક બનાવી લીધા હતા, બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગી હતી, જે તે સમયે રજનીશ બારીયા પાસે રોકડા રૂપિયા ૩ લાખ ૨૨ હજાર તેમજ અઢી લાખના સોનાના દાગીના લઇ લીધા બાદ ૮ લાખ આંગડિયા મારફતે મંગાવ્યા હતા આમ કુલ રૂપિયા ૧૩ લાખ ૭૨ હજારની ખંડણી વસૂલ કરવામાં આવી હતી.
ખંડણીના નાણાં મળી ગયા બાદ અમિત મિશ્રા, મોહિત સહિતના ઇસમોએ રજનીશ બારીયા અને ૨ સંબંધીઓને જયપુર-દિલ્હી હાઇવે પર અવાવરું જગ્યાએ છોડી મૂક્યા હતા, આ અંગે રજનીશ બારીયાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં બંધકકારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કુલ ૮ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.