અંકલેશ્વર, તા.૧ર
અંકલેશ્વરના પીઢ આગેવાન અને પાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલાલ કંચનલાલ મોદીનું જૈફ વયે લાંબી માંદગી બાદ આજરોજ નિધન થતાં નગરમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
અંકલેશ્વર નગરપાલિકામાં ૩પ-૩પ વર્ષો સુધી એકહથ્થુ શાસન ચલાવનાર સફળ રાજકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રમાં માંધાતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત હીરાલાલ કંચનલાલ મોદી છેલ્લા લાંબા સમયથી બિમાર અને પથારીવશ જ હતાં છેવટે આજે સવારે ૮પ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. વેપારી આગેવાન ઉપરાંત મોઢ ઘાંચી સમજના પણ અગ્રણી એવા હીરાલાલ મોદીના નિધનના સમાચાર અંકલેશ્વરમાં વાયુવેગે ફરી વળતાં જ વેપારી વર્ગ તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમનાં અવસાનના સમાચાર જાણવા મળતાં જ તેમના નિવાસસ્થાને લોકોની ભીડ ઉમટી પડી હતી. રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
બપોરે ૩ કલાકે તેઓની અંતિમયાત્રા નીકળી હતી જેમાં સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની સહિત કોંગી આગેવાનો પણ જોડાયા હતાં અને તેમને અંતિમ વિદાય આપી હતી.
નોંધનીય છે કે સ્વબળે જ તેમણે પોતાની આગવી પેનલથી સતત ૩પ વર્ષ સુધી પાલિકા પર શાસન કર્યું હતું. તેઓના સાથ સહકારથી જ ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રથમવાર પાલિકામાં સત્તાના સુકાન સંભાળ્યા હતાં. તેઓની વિદાયથી તમામ પક્ષો ઉપરાંત શહેરીજનોએ પણ આઘાત અનુભવ્યો છે.
સદ્ગત હીરાલાલ કંચનલાલ મોદીનો શિક્ષણ ક્ષેત્રે ફાળો તો કદી કોઈ પૂર્ણ કરી શકે એમ નથી. એક તરફ જીઆઈડીસી વિસ્તારમાં ખાનગી શાળાઓનું વર્ચસ્વ હતું એવા સમયે અંકલેશ્વર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને અહીં જ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે એ હેતુથી તેમણે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ શાળાનો પાયો નાખ્યો. આ ઉપરાંતા પ્રિયદર્શીના સ્કૂલ, જલારામ સ્કૂલ જેવી શાળાઓનું પણ નિર્માણ કર્યું જેમાં આજે હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.તેઓના નિધનથી અંકલેશ્વરે એક પીઢ રાજકારણી, કુશળ વહીવટકર્તા અને એક સમાજ સેવી વ્યક્તિ ગુમાવ્યા છે એ નિર્વિવાદ બાબત છે.
એક પીઢ અને કુનેહ ધરાવતા રાજકીય અને સામાજિક આગેવાન ગુમાવ્યા છે
અંકલેશ્વર, તા.૧ર
અંકલેશ્વરના પીઢ રાજકીય અને સહકારી આગેવાન હીરાભાઈ મોદીનાં નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ પોતાના શોક સંદેશમાં જણાવ્યું હતું કે હીરાભાઈ મોદીના નિધનથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાએ એક પીઢ અને કુનેહ ધરાવતા રાજકીય અને સામાજિક આગેવાન ગુમાવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાથી લઈ સહકારી ક્ષેત્રે પણ તેઓનું યોગદાન કદી વિસરી શકાય એમ નથી. તેઓની સાથે અંગત પરિચય હોવાથી અત્યંત આઘાતની લાગણી અનુભવું છું પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરૂ છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પું છું.
Recent Comments