(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૯
કેમિકલ માફિયાઓના આતંકથી અંકલેશ્વર પંથકની પ્રજા હેરાન-પરેશાન થઈ ગઈ છે. આજે ફરી એક વખત અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલની સીમના ખેતરમાં કેમિકલ વેસ્ટ ઠાલવતા ખેડૂતોમાં આક્રોશની લાગણી પ્રવર્તે છે. આજરોજ પ્રકૃત્તિ સુરક્ષા મંડળના સલીમ પટેલને અંકલેશ્વર તાલુકાના અને ઝઘડિયા જીઆઈડીસીની નજીક જ આવેલ નવાગામ કરારવેલ ગામના ખેડૂત સાજીદ તરફથી ફરિયાદ મળી હતી કે, તેમના માલિકીના ખેતરમાં કોઈ કેમિકલ વેસ્ટ ખાલી કરી ગયું છે. તેઓએ જીપીસીબી અંકલેશ્વરની ઓફિસમાં ફોન કર્યો પરંતુ સિક્યોરિટીના વ્યક્તિએ જણાવ્યું કે, કોઈ જવાબદાર અધિકારી હાજર નથી તેથી તેઓએ રિજ્યોનલ ઓફિસરના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો તેમણે ફોન ઉપાડ્યો ના હતો. આ હકીકત અંગે સલીમ પટેલે મિ.ત્રિવેદીને ફોન કરી હકીકત બતાવી ત્યારે તેમણે કહ્યું કે, હું જોઈ લઉં છું. જો કે તેમણે આ ઘટનાની કોઈ વિગત માંગી ન હતી. આથી સલીમ પટેલે કલેક્ટર ભરૂચને ફોન કરી આજની ઘટના અને રોજ-રોજ બનતી ઘટનાની માહિતી આપતા તંત્ર દોડતું થયું હતું. ઝઘડિયા જીઆઈડીસીની મોનિટરિંગ ટીમ બનાવની જગ્યાએ આવી પહોંચી હતી. જો કે મોડા સમય સુધી જીપીસીબી અંકલેશ્વરના કોઈ પણ અધિકારી આવ્યા ન હતા. છેલ્લા એક સપ્તાહમાં બનેલ આ પાંચમી ઘટનાની પ્રજામાં દુઃખ અને આક્રોશની લાગણી ફેલાયેલ છે. તંત્રની કાર્યવાહી શંકાના દાયરામાં છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પણ આવી ઘટનાઓ ગંભીરતાથી લેતા નથી. લોકો ત્રાસી જઈ જનઆંદોલનનું સ્વરૂપ લેશે તો પરિસ્થિતિ ગંભીર થશે તેમ જણાવ્યું છે.