(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.ર
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીનાં એક મકાનમાં રાત્રિનાં સમયે પરિવારને બંધક બનાવી રૂપિયા ૩.૫૦ કરોડની લૂંટની ઘટના બની હતી. જેમાં પોલીસે સીસીટીવી સહિતની મદદ લઈ તપાસ કરતાં ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સમગ્ર પ્રકરણમાં ઘરકા ભેદી લંકા ઢાયે જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ચકચારી લૂંટની ઘટનામાં પત્નીએ પતિને આર્થિક રીતે પાયમાલ કરી દેવા ખેલ પાડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીકની ગુરૂકૃપા સોસાયટીમાં મનસુખ નારણ રાદરિયાને ત્યાં ગત તારીખ ૨૭મી એપ્રિલની રાત્રે ૪ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી આવી પરિવારને બંધક બનાવ્યો હતો. પરિવારને ધમકી આપી ભયભીત કર્યા હતા. બાદમાં પરિવારનાં સભ્યો મનસુખ રાદરિયા,પત્ની અને પુત્રને અજાણ્યા શખ્સોએ મોઢા ઉપર કલોરોફોર્મ જેવું ઘેનયુક્ત પદાર્થ સૂંઘાડી મોઢું દબાવીને બંદૂક જેવું હથિયાર મૂકી અંદરના રૂમમાં ઢસડી જઈને પલંગ ઉપર બાંધી દઈ ૩.૫૦ કરોડની લૂંટ ચલાવી હતી. બાદમાં માળિયામાં અને કબાટમાં મુકેલાં પોટલાંઓમાંથી અંદાજે રૂપિયા ૩.૫૦ કરોડ તથા મોબાઇલની લૂંટ ચલાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં વડોદરા રેન્જની આરઆરસેલ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે નજીકનાં તમામ સીસીટીવી ફૂટેજ લઈને તપાસ કરતાં સમગ્ર ઘટનાનો ઉકેલ લાવવામાં મોટી સફળતા સાંપડી છે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાથી પત્નીએ જ આ સમગ્ર ઘટનાને બીજા લોકોને બાતમી આપીને લૂંટનો કારસો રચ્યો હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. પત્નીએ તેમના ઘરની ઉપરનાં ઘરે ભાડાનાં મકાનમાં રહેતા લિંગપ્પા નામના વ્યક્તિને પોતાના ઘરમાં પડેલા નાણાંની બાતમી આપી હતી. બાદમાં સમગ્ર લૂંટની ઘટનાનો કારસો રચાયો હતો. જેમાં ગોવાનાં નામચીન ગુનેગાર રાકેશ ડિસોઝાની મદદ લેવાઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ સઘન બનાવતા ગોવા ગયેલ ટીમે સફળતા પૂર્વક લૂંટને અંજામ આપી ભાગેલ ૪ આરોપીને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ઝડપાયેલ ચારેય આરોપી પાસે લૂંટનો મુદ્દામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી છે.