અંકલેશ્વર, તા.૧૩
એક તરફ બીજા તબક્કાના મતદાનની શરૂઆત થઈ રહી છે ત્યારે અંકલેશ્વરમાં સેંકડો ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનોએ વતનની વાટ પકડી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સેંકડો વ્યવસાયીઓ અને ઉદ્યોગપતિઓ અહીં સ્થાયી નિવાસી બન્યા છે. પ્રથમ તબક્કામાં તેઓએ મતદાન પણ અહીં જ કર્યું છે. જો કે મુખ્યત્વે પાટીદાર સમાજના આ સેંકડો મૂળ ઉત્તર ગુજરાતના વતનીઓએ બીજા તબક્કાના મતદાન ટાણે જ વતનની વાટ પકડી હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. આ વખતે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને પગલે પાટીદાર મતદારોનું વલણ અકળ રહ્યું છે. આ પરિસ્થિતિમાં અંકલેશ્વરના પાટીદાર સમાજની અનેક ગાડીઓ બુધવારે ઉત્તર ગુજરાત-અમદાવાદ તરફ રવાના થતાં તેઓ કોંગ્રેસને મદદ કરવા પાટીદાર મતદારોને મનાવવા ગયા છે કે પછી ભાજપાની મદદે ગયા છે એ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.