(સંવાદદાતા દ્વારા) અંક્લેશ્વર, તા.૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે અને રાજકીયપક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં નવસર્જન યાત્રા યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ ૧લી નવેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા અને અંકલેશ્વરમાં તેઓ જનસભાને સંબોધિત કરશે.
રાહુલ ગાંધી તારીખ ૧ નવેમ્બરના રોજ પ્રથમ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભરૂચના જંબુસરથી યાત્રાની શરૂઆત કરશે અને ભરૂચ બાદ બપોરે ૩ કલાકે રાહુલ ગાંધીની અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ જયાબેન મોદી હોસ્પિટલ નજીક જાહેરસભા યોજાશે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના દિગજ્જ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
અંકલેશ્વરમાં રાહુલ ગાંધીની સભાને લઈને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે રાહુલ ગાંધીને પ્રત્યક્ષ સાંભળવા માટે ભરૂચ જિલ્લા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
અંકલેશ્વરમાં રાહુલ ગાંધી સાંજે જનસભાને સંબોધિત કરશે

Recent Comments