અંકલેશ્વર, તા.૨૨
રાજ્યમાં એસટી વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે અંકલેશ્વર એસટી ડેપોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જેવો આજરોજ શર્ટ ઉતારી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી બસ ચલાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી ડેપોમાં ખાનગી બસને પ્રવેશવા નહીં દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી.
એસટી વિભાગના કર્મચારીઓની હડતાળ સામે સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર એસટી ડેપોના ૨૬૩ જેટલા કર્મચારીઓએ શર્ટ ઉતારી ઉગ્ર દેખાવ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. ડેપોમાં ખાનગી બસ મૂકવાના નિર્ણય સામે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાય જવા પામ્યો હતો. સરકારના નિર્ણય સામે ખાનગી બસને ડેપોમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ હડતાળના કારણે અન્ય જિલ્લાના ડેપોની બસ તેમજ મહારાષ્ટ્રની બસ પણ અંકલેશ્વર ડેપોમાં મૂકાઈ જતા ડ્રાઇવર કન્ડકટરો બે દિવસથી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. હડતાળના કારણે પોતાના ઘરે જઈ શકતા નથી. સરકાર વહેલી તકે માગણી સ્વીકારે તેવી માંગ કરી હતી.