(એજન્સી) તા.૩૦
અણ્ણા હજારેએ વર્તમાન સીબીઆઇ કટોકટી માટે મોદી સરકારની ટીકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી સીબીઆઇના બે ટોચના અધિકારીઓ વચ્ચેની તકરાર લોકતંત્ર માટે ચિંતાજનક છે અને આ મામલો શરમજનક છે.
મોદી સરકાર પર સીધા પ્રહારો કરતા અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે પરંતુ દેશ ચલાવનારા લોકો આ બાબત અંગે બિલકુલ ગંભીર નથી. તેમણેે વધુમાં જણાવ્યું હતું કે તપાસ સંસ્થા સીબીઆઇ સરકારના અંકુશ હેઠળ હોવી જોઇએ નહીં કારણ કે સીબીઆઇનો આવા કિસ્સાઓમાં દુરુપયોગ થઇ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે સીબીઆઇ અને સીવીસી જેવી તપાસ સંસ્થાઓના કાર્યમાં દખલ કરવી જોઇએ નહીં.
તેમણે લખ્યું હતું કે લોકોએ ૨૦૧૧માં કેન્દ્રમાં લોકપાલની અને પ્રત્યેક રાજ્યમાં લોકાયુક્તની નિમણૂકની માગણીને લઇને આંદોલન શરુ કર્યુ હતું. લોકોએ આખરે સરકારને આ અંગે કાયદો ઘડવા ફરજ પાડી હતી. જાન્યુ.૨૦૧૪માં પ્રથમ વખત દેશમાં લોકપાલ કાયદાને મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે આ સરકારના સાડા ચાર વર્ષ પછી પણ લોકપાલની નિમણૂક કરવામાં આવી નથી.