(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ સોમવારે અહીં ભ્રષ્ટાચાર રોધી કાયદો લાગૂ કરવા અને ખેડૂતો સાથે જોડાયેલી માંગોને લઇને ૩૦ જાન્યુઆરીથી અનિશ્નિકાળના ભૂખ હડતાળની જાહેરાત કરી છે. હજારાએ કહ્યું કે, જો લોકપાલ હોત તો રાફેલ કૌભાંડ થયું ના હોત. તેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩ને લાગૂ નહીં કરતા કેન્દ્રની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે દેશ પર ‘તાનાશાહી’ તરફ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગત ૮ વર્ષમાં લોકપાલની માંગને લઇને હજારેની આ ત્રીજી ભૂખ હડતાળ હશે. તે સિવિલ સોસાયટી સભ્યો તથા સમૂહોના નેતૃત્વ કરતા એપ્રિલ ૨૦૧૧માં પહેલી વખત અહીં રામલીલા મેદાનમાં અનિશ્ચિતકાળની ભુખ હડતાળ પર બેઠા હતા. હજારેએ કહ્યું, જો લોકપાલ હોત તો રાફેલા જેવા મોટા કૌભાંડ થયા ન હોત. મારી પાસે રાફેલ સાથે જોડાયેલા ઘણા પુરાવાઓ છે. હું બે દિવસ તેનું અધ્યયન કર્યા બાદ બીજું પત્રકાર સંમેલન આયોજિત કરીશ. મને એક વાત સમજમાં નથી આવતી કે સમજૂતીથી એક મહિના પહેલા બનેલી એક કંપનીને તેમાં સહયોગી કેવી રીતે બનાવવામાં આવી.’ તે ૩૦ જાન્યુઆરીએ પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ કરશે અને તે સરકાર દ્વારા માંગો પુરી ના કરે ત્યાં સુધી ચાલું રાખશે. તેમણે કહ્યું, ભવિષ્યમાં સરકાર લેખિતમાં કહી ચુકી છે કે તેઓ લોકપાલ કાયદો પસાર કરશે અને ખેડૂતોને પેન્શન તથા દોઢ ગણું વધારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઉપલબ્ધ કરાવશે, પરંતુ કંઇ થયું નહીં. હવે હું બીજા ખોટા આશ્વાસનો પર ભરોસો નહીં કરું અને જીવિત રહીશ ત્યાં સુધી ભુખ હડતાળ ચાલું રાખીશ.