પાલનપુર,તા.ર૪
પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વકરેલા વિવાદ વચ્ચે ગતરોજ એમ.સી.આઇ.ની ટીમ પાલનપુર સિવિલ ખાતે ઇન્સ્પેક્શન કરવા આવી પહોંચી હતી. ત્યારે સિવિલના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા ૫ લોકોની પોલીસે અટકાયત કરી હતી. દરમિયાન, અટકાયત કરાયેલા લોકોએ અન્ન-જળ નો ત્યાગ કરતા મામલો વધુ ગરમાયો હતો. જેમાં ૨ લોકોની તબિયત લથડતાં ફાંફે ચડેલા તંત્ર દ્વારા ઉપવાસીઓની માંગણી મુજબ લેખિત બાંહેધરી આપી ઉપવાસીઓને પારણાં કરાવવામાં આવ્યા હતા.
બનાસડેરીના ખાનગી ટ્રસ્ટ દ્વારા પજેશન લીધા વિના સિવિલ પર બથામણિયો કબ્જો કરવાના પ્રયાસો સામે જિલ્લાભરમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે એમ.સી.આઈ.ની.ટીમ સમક્ષ સિવિલ બચાવો સમિતિએ રજૂઆત કરવાનો આગ્રહ કરતા ૫ જેટલા સભ્યોની પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતા વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
અટકાયત બાદ ભેમાભાઈ ચૌધરી સહિતના કાર્યકરોને મોડી સાંજે પાલનપુર સિવિલમાં લાવી છોડી મુકાયા હતા. જોકે, સિવિલ બચાવો સમિતિના આ ૫ સભ્યોએ પોતાની માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ શરૂ કરી દેતા મામલો વધુ ગરમાયો હતો.
દરમિયાન, અનશનન બીજા દિવસમાં પ્રવેશતા અન્ન-જળ નો ત્યાગ કરનાર ૫ કાર્યકરો પૈકી રમીલાબેન નામની મહિલાની સવારે તબિયત લથડતાં તેને સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી.
જયારે બપોરે રમેશભાઈ નાભાણી ની પણ તબિયત બગડતા સિવિલ સહિતના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ઉપવાસી છાવણીની પાલનપુર મામલતદાર રાવલ, નાયબ કલેક્ટર એ.ડી.જોશી અને સિવિલ સર્જન એમ.એસ.પટ્ટીવાલાએ પણ મુલાકાત લીધી હતી. અને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં સિવિલ સર્જનએ આંદોલનકારીઓની રજુઆત એમ.સી.આઇ. સુધી પહોંચાડવાની લેખિતમાં ખાતરી આપતા અંતે ઉપવાસીઓએ પારણાં કર્યા હતા.
દરમિયાન, અનશન પર બેઠેલા તમામ ૫ લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. જોકે, સિવિલ બચાવો સમિતિએ પોતાનું આંદોલન જારી રાખવાની જાહેરાત સાથે લોકોને જાહેર હિતના આ પ્રશ્નમાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.