નવી દિલ્હી, તા. ૧૧
અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલો આતંકવાદી હુમલો વધુ ખુનામરકી કરી ગયો હોત પરંતુ વલસાડના યાત્રીઓને લઇ જતી બસના ડ્રાઇવર સલીમ મિર્ઝાએ હિંમત રાખી બસને આગળ લઇ ગયો અને આતંકવાદીઓના ઇરાદા પાર પડવા દીધા નહોતા. બસ અનંતનાગથી બે કિલોમીટર દૂર પંચર થઇ ગઇ હતી જેના કામમાં મોડું થઇ ગયું હતું અને જેવી બસ ફરી ચાલવા માંડી કે તરત જ આતંકવાદીઓએ બસને ચારે તરફથી ઘેરી તેના પર ફાયરિંગ શરૂ કરી દીધંુ હતું. ગોળીઓના અવાજથી સમગ્ર વાતાવરણ ચીસોથી ગુંજી ઉઠ્યું પરંતુ સલીમે એક પળ માટે પણ હિંમત હારી નહીં અને બસને હંકારવાનું ચાલુ રાખ્યું હતું. બસ પર આતંકવાદીઓના ઓચિતા હુમલામાં સાત લોકો મોતને ભેટ્યા હતા જ્યારે ૩૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આવા સમયે સલીમે જોયું કે, બસના પ્રવાસીઓનો જીવ જોખમમાં છે ત્યારે તેણે ઇજાગ્રસ્ત હાલતમાં જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે પર આવેલા આર્મી કેમ્પ પહોંચવા આશરે બે કિલોમીટર સુધી બસને હંકારી હતી. બસમાં ઇજાગ્રસ્ત યાત્રીઓને મંગળવારે સવારે શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સલીમ મિર્ઝાએ જણાવ્યું હતું કે, ‘આશરે ૮.૦૦ કલાકે આતંકવાદીઓએ બસને ઘેરી લીધી હતી. તેઓએ પહેલા ડ્રાઇવરને મારવા બસની આગળથી ફાયરિંગ શરૂ કર્યું. ગોળીઓથી બચવા હું નીચે બેસી ગયો અને બેઠા-બેઠા બસને હંકારવા લાગ્યો. મને પોતાને ખબર નહોતી કે આટલી હિંમત અને તાકાત મને ક્યાંથી મળી ગઇ. જોકે મારા અલ્લાહે મને મદદ કરી અને યાત્રાળુઓને બચાવવાની તાકાત આપી.’ બાદમાં તે વાયુદળના વિમાન તરફ આગળ વધ્યો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવા લાગ્યો. બસમાં મોટા ભાગે વલસાડ, મહારાષ્ટ્ર અને દમણના પ્રવાસીઓ હતા. સલીમ પોતે પણ ગુજરાતી છે અને તેને કોઇ મોટી ઇજા પહોંચી નહોતી પરંતુ તેની પાછળ બેસેલા યાત્રાળુઓને ગોળીઓ વાગી હતી.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના આઇજી મુનિરખાને જણાવ્યું હતું કે, તેઓએ તમામ યાત્રાળુઓ સાથે વાત કરતા તમામે એમ જ કહ્યું કે, તેઓ સલીમની હિંમતને કારણે બચી ગયા હતા. તેણે ફાયરિંગની ચિંતા કર્યા વિના બસને હંકારી રાખી અને અમને સુરક્ષિત સ્થળે લઇ ગયો હતો. જેના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. તે રાકાયો જ ન હતો અને જો રોકાઇ ગયો હોત તો ઘણી જાનહાનિ થઇ હોત. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાતે ગુજરાતની એક બસ બાલટાલથી જમ્મુ તરફ જઇ રહી હતી તે સમયે તેના પર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અધિકારીઓ અનુસાર બસ યાત્રાનો સત્તાવાર ભાગ ન હોવાથી તેને સુરક્ષા પુરી પડાઇ નહોતી. આઇજી મુનીરખાને કહ્યું કે, આ હુમલો લશ્કરે તોયબાના આતંકવાદીઓએ કર્યો હતો. હુમલા બાદ અનંતનાગના સમગ્ર રૂટ પર સુરક્ષા કડક કરી દેવાઇ છે. સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હીમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે યાત્રાળુઓને અપીલ પણ કરી છે કે, તેઓ યાત્રાના નિયમોનું પાલન કરી સત્તાવાળાઓને સહકાર આપે.

ગુજરાત સરકાર સલીમનું નામ વીરતા પુરસ્કાર માટે મોકલશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલા દરમિયાન હિંમતનો પરચો દેખાડનારા સલીમ મિર્ઝાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ વીરતા પુરસ્કાર માટે સલીમનું નામ મોકલશે. સોમવારની રાતે અનંતનાગના શ્રીનગર જમ્મુ હાઇવે પર આતંકવાદીઓ હુમલો કર્યો હતો. આડેધડ ગોળીબાર વચ્ચે સલીમે બસમાં બેસેલા શ્રદ્ધાળુઓનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો. બસ પર આડેધડ ગોળીબાર દરમિયાન સલીમે નીચે બેસી બસને હંકારવા લાગ્યો અને અન્ય પ્રવાસીઓના જીવ બચાવી લીધા હતા.
અમને અમારા ભાઇ પર ગર્વ છે : સલીમનો ભાઇ જાવેદ
ગુજરાતના વલસાડમાં રહેતા સલીમના પિતરાઇ ભાઇ જાવેદ અને તેના પરિવારે જણાવ્યું હતું કે, અમને સલીમની બહાદુરી પર ગર્વ છે. જાવેદે કહ્યું કે, સલીમને આશરે ૯.૩૦ કલાકે અમારા ઘરે ફોન કરીને જણાવ્યું હતું કે તેની બસ પર આતંકવાદી હુમલો થયો છે. તે સાત લોકોને બચાવી ન શક્યો પરંતુ બાકીના ૫૦ પ્રવાસીઓને તેણે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. અમને તેના પર ગર્વ છે.
સલીમની બહાદુરીએ અમારો જીવ બચાવ્યો : શ્રદ્ધાળુઓ
અનંતનાગમાં બસ પર થયેલા આતંકવાદી હુમલામાં બચી જનારા શ્રદ્ધાળુઓએ ઘટનાની વિગતો જણાવતા કહ્યું કે, સાંજે અમારી બસનું ટાયર પંચર થઇ જવાને કારણે અણે સમયસર કેમ્પ સુધી પહોંચી શક્યા નહોતા અને ટાયર બદલાવાના સમયે જ અંધારૂ થઇ ગયું હતું. મહરાષ્ટ્રના દહુમાંથી આવતી યાત્રાળુ દક્ષાએ કહ્યું કે, ટાયર બદલાતું હતું કે, ત્યારે અમે માર્ગની બાજુમાં બેઠા હતા પરંતુ થોડી મિનિટો બાદ અમારી સાથે શું થવાનું હતું તેની જાણ નહોતી. મહારાષ્ટ્રની ભગુની ઠાકુરે કહ્યું કે, અમે બસમાં ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો થતા કોઇને કાંઇ ખબર જ ન પડી. તેઓ આડેધડ ગોળીબાર કરવા લાગ્યો પરંતુ અમને અંધારામાં કાંઇ સૂઝ ન પડી. ગુજરાતના સુધીરે જણાવ્યું કે, સલીમ બસને હંકારી સીધી ડીઆઇજી ઓફિસે લઇ ગયો હતો. જ્યાં અમે સુરક્ષિત હતા. અમારી સાથે તેની પત્ની અને પુત્રી પણ હતી. આ રીતે તમામ પ્રવાસીઓએ સલીમની બહાદુરીની પ્રશંસા કરી હતી.

અમારા પર આરોપ ન મૂકો, ભારતીય એજન્સીઓ જ જવાબદાર : લશ્કરે તૈયબા
અમરનાથ યાત્રા પર હુમલા માટે ભારતીય એજન્સીઓએ લશ્કરે તૈયબને જવાબદાર ગણ્યું છે પરંતુ આ આતંકવાદી સંગઠને પોતે હુમલો નહીં કર્યો હોવાનું જણાવતા હત્યાઓ પાછળ ભારતીય સુરક્ષા એજન્સીઓ જ જવાબદાર હોવાનો આરોપ મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ સમગ્ર રાજ્ય અને ખાસ કરીને જમ્મુમાં તંગદિલી વ્યાપી છે. હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં અફવાઓ ન ફેલાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઇ છે. મુખ્યમંત્રી મહબૂબા મુફ્તિએ મંત્રીમંડળ તથા સુરક્ષા અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી કડકમાં કડક પગલાં લેવા કહ્યું છે. લશ્કરે તૈયબાના પ્રવક્તા ડો. અબ્દુલ્લાહ ગઝનવીએ કહ્યું છે કે, હુમલાખોરોએ રાજ્યના સ્વભાવ અને પરંપરાને વિખેરવા માટે ષડયંત્ર કર્યું છે. કોઇપણ શ્રદ્ધા સામે હુમલો કરવાની પરવાનગી ઇસ્લામ આપતો નથી. યાત્રાળુઓ પર હુમલો કરવાનું કાશ્મીરીઓના લોહીમાં નથી. બર્બરતા અને જુલમ ભારતીય દળોની ઓળખ છે. ભારત કાશ્મીરીઓની સ્વાતંત્ર્ય ચળવળને દબાવવા માગે છે.
આતંકવાદીઓએ વૃદ્ધો પર હુમલો કર્યો : અમરનાથ યાત્રાળુના પુત્રનો ગુસ્સો
ગુજરાતના વલસાડમાંથી અમરનાથ યાત્રા પર ગયેલા લક્ષ્મીબાઇ પટેલ કે જેઓ આતંકવાદ હુમલામાં મોતને ભેટ્યા હતા તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું કે, આતંકવાદીઓએ વૃદ્ધ લોકો પર હુમલો કર્યો જેઓ તમામ આશરે ૫૦ વર્ષથી વધુ વયના હતા. ૫૦ વર્ષના લક્ષ્મીબાઇ છેલ્લા ૧૬ વર્ષથી અમરનાથ યાત્રા પર જતા હતા અને તેઓ યાત્રાળુઓ માટે ભોજન રાંધવા જતા હતા.

બસે કેવી રીતે સુરક્ષા ધોરણોનો ભંગ
કર્યો ? પાંચ વણ ઉકેલ્યા સવાલ
શું બસ અમરનાથ ગુફા બોર્ડમાં રજિસ્ટર્ડ હતી ? જો નહીં તો કેમ ?
અમરનાથ ગુફા તરફ જતા તમામ યાત્રાળુઓ અને વાહનોની નોંધણી કરવી ફરજિયાત હતી. તો પછી ગુજરાતની જીજે-૯૦ઝેડ ૯૯૭૬ નંબરની બસને આગળ કઇ રીતે જવા દીધી. આ બસનો મુળ માલિક કોણ હતો અને હવે આ બસ કોણે ખરીદી તેની પણ કોઇ જાણકારી બહાર આવી નથી.
બસની નોંધણી ન હોવા છતાં તેણે આટલા બધા સુરક્ષા ચેક પોઇન્ટ કેવી રીતે પાર કર્યા ?
બસમાં આશરે ૫૬ પ્રવાસી હતા અને આમાંથી કોઇને આની જાણકારી નહોતી? આ બસના યાત્રાળુઓએ બે દિવસ પહેલા જ દર્શન કરી લીધા હતા અને પછી સાઇટ સીન માટે ગઇ હતી. બસ બાલટાલ બેસ કેમ્પથી પસાર થઇ ગઇ જ્યાં ભારે સુરક્ષા સલામતી હોય છે પરંતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પણ તેની કોઇ ચેકિંગ નહોતી થઇ.
સૂર્યાસ્ત પછી પ્રવાસ કરીને બસે શા માટે પ્રવાસન નિયમોનો ભંગ કર્યો ?
જમ્મુ-કાશ્મીરના ઉપ મુખ્યમંત્રી નિર્મલસિંહે સલામતી ચૂકની કબૂલાત કરતા કહ્યું છે કે, ૫.૦૦ વાગ્યા પછી બસને માર્ગ પર ચલાવવાની પરવાનગી શા માટે અપાઇ તેની તપાસ થશે.સુરક્ષા નિયમો અનુસાર સૂર્યાસ્ત પછી કોઇપણ વાહનને માર્ગ પર જવા દેવાતા નથી.
જે બસ નોંધાયેલી જ નહોતી તેની આગળ પોલીસ પેટ્રોલ ગાડી શા માટે હતી ?
ફક્ત નોંધાયેલા વાહનોને જ સલામતી પૂરી પાડવામાં આવે છે. પોલીસ વાનની હાજરી અને તેના પર પણ હુમલો કરાયો તેની સામે સવાલો થાય છે કે શું તે બસને દોરી રહી હતી કે પછી અચાનક એવું બની ગયું ?
આતંકવાદી હુમલાની ગુપ્તચર ચેતવણી છતાં પોલીસ માર્ગને સુરક્ષિત બનાવવામાં કેમ નિષ્ફળ રહી ?
યાત્રા શરૂ થઇ તેના બે દિવસ પહેલા જ કાશ્મીરના આઇજી મુનીરખાને પત્ર લખી ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓ કોમવાદી તંગદિલી ઉભી કરવા માટે અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવી શકે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ યાત્રાળુઓના વાહનો પર ગોળીબાર કરી શકે છે અને સોમવારની રાતે બોંટેગો ગામમાં આવું જ બન્યું.
આતંકવાદીઓનું નિશાન
હતું બુલેટપ્રૂફ બંકર પણ
ભોગ બની બસ
જમ્મુ-કાશ્મીરના ડીઆઇજી મુનીરખાને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ખરેખર આર્મીના બુલેટપ્રૂફ બંકરને નિશાન બનાવવાના ઇરાદાથી આવ્યા હતા પરંતુ તેઓ સેના પર હુમલો કરીને નાસી રહ્યા હતા ત્યારે તેમના માર્ગમાં બસ આવીજતા તેમણે બસ પર પણ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કાશ્મીરના ઉર્દૂ અને અંગ્રેજી અખબારોમાં પણ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવા નહીં પરંતુ સેનાની ટુકડીને નિશાન બનાવવા આવ્યા હતા.