શ્રીનગર, તા. ૨૪
હુર્રિયત સહિત અન્ય અલગતાવાદી નેતાઓને પાકિસ્તાન પાસેથી ટેરર ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી રાજકીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આના ભાગરૂપે એનઆઈએ દ્વારા હુર્રિયતના સાત નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં ફારુક અહેમદ દાર ઉર્ફે બિટ્ટા કરાટે, નઈમ ખાન, શાહીદ ઉલ ઇસ્લામ, અલ્તાફ ફન્ટુસ, મહેરાજુદ્દીન, અયાઝ અકબર અને પીર સેફુલ્લાનો સમાવેશ થાય છે. બિટ્ટા કરાટેને દિલ્હીમાંથી ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરાઈ છે જ્યારે બાકીના લોકોની ધરપકડ શ્રીનગરમાંથી કરાઈ છે. શ્રીનગરથી હવે તેમને વધુ પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, એક ટીવી ચેનલમાં દર્શાવવામાં આવ્યું હતું કે, સ્ટિંગ ઓપરેશનમાં હુર્રિયત નેતા નઇમ ખાન આ બાબત કહેતા નજરે પડે છે કે, તેમને હવાલાના માધ્યમથી પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનો પાસેથી નાણાં મળી રહ્યા છે. આ ખુલાસા બાદ એનઆઈએના અધિકારીઓ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી. મે મહિનામાં એનઆઈએ દ્વારા આ સંદર્ભમાં કેટલાક અલગતાવાદી લીડરોની પૂછપરછ પણ કરાઈ હતી. એનઆઈએની એક ટીમે તહેરિકે હુર્રિયત ફારુક અહેમદ દાર ઉર્ફે બિટ્ટા કરાટે અને જાવેદ અહેમદ બાબા ઉર્ફે ગાઝીની શ્રીનગરમાંથી ધરપકડ કરી હતી. તેમની ચાર દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના બંનેના બેંક ખાતાઓની જાણકારી અને સંપત્તિના દસ્તાવેજોમાં તપાસ કરવામાં આવી હતી. તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. એનઆઈએને એવી માહિતી મળી હતી કે, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે કાવતરા હેઠળ ખીણમાં સ્કૂલો અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં એનઆઈએ દ્વારા અનેક આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.