(એજન્સી)                                                 કતાર,તા.૭

હેકરોએ અમેરિકા ખાતે યુએઇના રાજદૂત યુસુફ અલ-ઓતૈબાના ઇનબોક્સમાંથી લીધેલા ઇ-મેઇલની પ્રથમ શ્રેણી રિલીઝ કરી છે. ઇન્ટરસેપ્ટ વેબસાઇટે જણાવ્યું હતું કે ગ્લોબલ લિક્સ નામના ગ્રુપ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ઇમેઇલ દર્શાવે છે કે અલ-ઓતૈબા અને ઇઝરાયેલ તરફી નિઓકોન્ઝર્વેટિવ થિંક ટેંક ધી ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝ (એફડીડી) સાથે ગાઢ સંબંધો છે. હેક કરાયેલા ઇ-મેઇલમાં કેટલાક તો ૨૦૧૪ની જૂની તારીખના છે. આ ઇ-મેઇલ એફડીડી વચ્ચે પાછલા બારણે સહકાર હોવાનું જાહેર કરે છે. એફડીડીને ઇઝરાયેલ તરફી અબજોપતિ શેલ્ડન એડલ્સન અને યુએઇ નાણા સહાય કરે છે. આ ઇમેઇલ એ વાત પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે કતારને પ્રાદેશિક અને વૈશ્વિક સત્તા તરીકે તેની છબી અને મહત્વ ઘટાડવા માટે એફડીડી અને યુએઇ વચ્ચે સ્પષ્ટ સંતલસ હતી. આ ઉપરાંત તેમને કતાર અને કુવૈત આતંકવાદને સમર્થન આપે છે એવા લેખ પ્રસિદ્ધ કરનારા પત્રકારો સાથે પણ સંતલસ હતી. ધ ઇન્ટર સેક્ટ રિપોર્ટના એક લેખક જૈદ જિલાનીએ અલ જઝીરાને જણાવ્યું હતું કે સઉદી અરેબિયા, યુએઇ અને ઇઝરાયેલ જેવા અખાતી દેશો વચ્ચે જે સંબંધો વધતા જાય છે એવા આક્ષેપોને આ ઇમેઇલ સમર્થન આપે છે. મિડલ ઇસ્ટ આઇના મુખ્ય એડિટર ડેવિડ હર્સ્ટે જણાવ્યું હતું કે ઇ-મેઇલ કતાર વિરુદ્ધ હાથ ધરવામાં આવી રહેલી ઝુંબેશ પાછળ ચોક્કસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લીક થયેલા ઇ-મેઇલમાં ૧૧-૧૪ જૂન દરમિયાન એફડીડી અને યુએઇ સરકાર વચ્ચે યોજાનારી આગામી બેઠકનો એજન્ડા પણ દર્શાવેલ છે. એજન્ડામાં કતાર સ્થિત અલ જઝીરામાં અને તેના મુસ્લિમ બ્રધરહૂડ સાથેના કનેક્શન સહિત કતાર પર કેટલીક ચોક્કસ પ્રકારની ગહન ચર્ચાનો પણ સમાવેશ થાય છે. એજન્ડાની એક આઇટમમાં જણાવાયું છે કે અલ જઝીરા પ્રાદેશિક અસ્થિરતાનું માધ્યમ છે.