(એજન્સી) તા.૧૭
તાજેતરમાં એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નવ વર્ષનું બાળક છાતી સુધી ગળાડૂબ પાણીમાં ઊભો રહીને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યો છે. આ તસવીર આસામની એક સ્કૂલ છે અને ગત વર્ષના સ્વતંત્રતા દિવસની જ છે. જોકે આ જે છોકરો પોતાની દેશભક્તિનો પુરાવો આપી રહ્યો છે તેને પણ એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું છે. આ છોકરાનું નામ હૈદર અલી છે. તાજેન સિકદર જે ધુબરી જિલ્લામાં આવેલી પ્રાથમિક સ્કૂલના હેડ ટીચર છે તે પણ આ તસવીરમાં અન્ય બે સહિત હૈદર અલી ખાન સાથે ઊભેલા દેખાય છે. તેમણે જ્યારે એક જાણીતા મીડિયા સાથે વાતચીત કરી હતી તો તેમણે કહ્યું કે હૈદર અલીનું નામ યાદીમાં નથી. ૩૦ જુલાઈએ એનઆરસીનો અંતિમ ડ્રાફ્ટ આવ્યો હતો. જોકે તેના પરિવારના સભ્યોને તેમાં સ્થાન મળ્યું હતું. જોકે હૈદર અલીને તમામ પુરાવા અને કાયદેસરના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. તેના દાદા શકુર અલી ૧૯૫૧ની એનઆરસી યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે અને તેમનું જન્મ પ્રમાણપત્ર છે. તેમના પરિવાર પાસે જમીનના રેકોર્ડ છે અને ૨૦૧૫માં શાળા મારફતે આપવામાં આવેલ પ્રમાણપત્ર પણ છે. સિકદર કહે છે કે હૈદરના દાદા અલોમ ખાન, માતા જૈબુન ખાતુન, મોટો ભાઈ જૈદર અને નાની બહેન રિના પણ એનઆરસીની યાદીમાં સ્થાન મેળવી ચૂકી છે. તેમણે કહ્યું કે હૈદરની માતા ગરીબ છે અને તેને એનઆરસી વિશે કંઈ સમજ પણ નથી પડતી. તેમણે કહ્યું કે હવે આગળની પ્રક્રિયામાં અમે જ તેની મદદ કરીશું. હૈદર અલીના પિતા રુપનાલ ખાન ભંગારનું કામ કરતા હતા. તે પાડોશી કોંકરાઝાર જિલ્લામાં કામ કરતા હતા. ૨૦૧૨માં તેમણે એક અથડામણમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો.