(એજન્સી)નવી દિલ્હી, તા. ૧
નવા સેના અધ્યક્ષ જનરલ એમએમ નરવણેએ બુધવારે જણાવ્યું કે સશસ્ત્ર દળો ચીન સાથેની સરહદના સંદર્ભમાં ‘ક્ષમતા વધારવા’ પર ધ્યાન આપી રહ્યા છે અને એવી આશા વ્યક્ત કરી છે કે શાંતિ જાળવવાથી ‘અંતિમ ઉકેલ’ પર પહોંચવામાં મદદ મળશે. જનરલ બિપિન રાવત પાસેથી ગઇકાલે મંગળવારે સુકાન સંભાળનાર સૈન્ય વડાએ પાકિસ્તાન અને તેના દ્વારા પ્રાયોજિત ત્રાસવાદ અંગે કડક વલણ અપનાવ્યું છે અને જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ત્રાસવાદના સ્ત્રોત પર ત્રાટકવાનો ભારત પાસે અધિકાર છે. તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમી મોરચાએ બહુ ધ્યાન આપવામાં આવ્યું છે ત્યારે હવે ઉત્તરીય મોરચા પર પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે. પશ્ચિમી મોરચામાં અંકૂશ રેખા (એલઓસી)નો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતીય સેના લાંબા સમયથી પાકિસ્તાન સાથેની બોર્ડર પર નજર રાખે છે પરંતુ હવે ચીન સાથએની સરહદે પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે ભારતીય સેના કોઇ પણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. જનરલ નરવણેએ જણાવ્યું કે આ દિશામાં અમે પોતાની ક્ષમતા વધારી રહ્યા છીએ. અમે પોતાની ઉત્તરીય સરહદની સાથે જ ઉત્તરપૂર્વની સરહદને પણ મજબૂ કરવામાં લાગેલા છીએ. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચીન સાથેના તનાવ અંગેના પ્રશ્ન પર જનરલ નરવણેએ જણાવ્યું કે ચીન સાથેની સરહદે શાંતિ જાળવવા માટે અમારી તરફથી સતત પ્રયાસો ચાલુ છે અને અમે પોતાની સરહદોએ સતત શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં સફળ રહ્યા છીએ. તેમણે એવું પણ કહ્યું કે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર રહેવા અને સેનાની આધુનિકતાની દ્રષ્ટિએ અમે તૈયારી કરી રહ્યા છીએ. આ જ બાબતો આપણી સેનાની પ્રાથમિકતા છે.