(એજન્સી) કાંકેર, તા. ૮
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં ગુરુવારે બીએસએફના જવાનો પર નક્સલીઓએ હુમલો કર્યો. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા હતા. જેમાં ધનબાદના ઝરિયા વિસ્તારના સાઉથ ગોલકડીહના રહેવાસી મો. ઈસરારખાન પણ સામેલ છે.
બીએસએફ જવાન ઈસરારનું પાર્થિવ શરીર સોમવારે ગોલકડીહ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યું. આ સમયે તેમને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બધાએ ભીની આંખોથી શહીદને વિદાય આપી. ઈસરારની શહાદતે તેમના પરિવારને જ નહીં, પરંતુ ઝરિયા અને ધનબાદના લોકોને હચમચાવીને મૂકી દીધા છે.
સવારે લગભગ ૯ઃ૧પ વાગ્યે બીએસએફના ડેપ્યુટી કમાન્ડેન્ટ ઘનશ્યામ કુમાર મિશ્રા તેમજ સબ ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ સહિત ૧૭ જવાન બીએસએફના વાહનમાં શહીદ મો.ઈસરારનો મૃતદેહ લઈને સાઉથ ગોલકડીહ ઘર પહોંચ્યા. મૃતદેહ પહોંચતા જ વિસ્તારમાં દેશ ભક્તિના સૂત્રો ગૂંજી ઉઠ્યા.
ડેપ્યુટી કમાન્ડન્ટે મૃતદેહને લપેટાયેલા ધ્વજને શહીદની માંને સોંપ્યો. જણાવ્યું કે તમારા લાલની આ અંતિમ નિશાની છે. તેને સંભાળીને રાખો. તેને પ્રજાસત્તાક દિવસ તેમજ સ્વતંત્રતા દિવસે ગર્વથી ફરકાવજો. જ્યારે પણ કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો તિરંગાની સાથે પ્રશાસનિક અધિકારીઓને મળજો. તમને સન્માન આપીને મુશ્કેલી દૂર કરવામાં આવશે.
ઈસરારના પિતા આઝાદ ખાન સાઇકલ વડે દુકાનોમાં બિસ્કીટ તેમજ ચોકલેટ વેચવાનું કામ કરે છે. પુત્રના શહીદ થવાના સમાચાર સાંભળીને આ પિતા પણ સુન્ન થઈ ગયા. કહેવા લાગ્યા પોતે તો જતો રહ્યો પણ અબ્બાને સન્માનની નેમત આપતો ગયો.
તેમણે જણાવ્યું કે, ચાર પુત્રોમાં ઈસરાર ત્રીજા નંબરનો પુત્ર હતો. વર્ષ ર૦૧૩માં તેની બીએસએફમાં નિમણૂંક થઈ હતી. પ્રથમ પોસ્ટિંગ બંગાળના માલદામાં થઈ હતી. બે વર્ષ પહેલા જ છત્તીસગઢ ગયો હતો. ડીસેમ્બરમાં તે ઘરે આવ્યો હતો. બે જાન્યુઆરીએ પરત છત્તીસગઢ ગયો હતો. ઈસરારનું પૈતૃક ઘર ગિરિડીટ જિલ્લાના દેવરી વિસ્તારના ખુરડીહ ગામમાં છે.
ભરાયેલી આંખોથી પિતા આઝાદે જણાવ્યું કે, પુત્રના બીએસએફમાં જવાથી સંપૂર્ણ પરિવાર ગર્વ અનુભવી રહ્યો હતો. આજે તેના શહીદ થવાના સમાચાર મળ્યા તો કાળજું કપાઈ ગયું. તેમ છતાં અમને ગર્વ છે કે પુત્રએ દેશ માટે શહાદત આપીને તો અમને શહીદના પિતા હોવાનું વિશ્વનું સૌથી મોટું સન્માન આપી ગયો. અલ્લાહ આવી સંતાન બધાને આપે.
ઈસરારના ઘરમાં માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈ છે. બંને મોટા ભાઈઓના લગ્ન થઈ ગયા છે. હવે ઈસરારના પણ લગ્નની તૈયારી થઈ રહી હતી, પરંતુ અલ્લાહને કંઈક બીજું જ મંજૂર હતું.