(સંવાદદાતા દ્વારા) મોડાસા. તા.૧૧
ભિલોડાના તાલુકાના મલેકપુર ગામે ગત ગુરુવારે રાત્રીએ બીએસએફ માં ફરજ બજાવતા રવિન્દ્ર ગામેતી નામના જવાન અને તેના બે મિત્રો પર ગામના જ ૯ શખ્શોએ ઘાતકી હુમલો કરતા બીએસએફ જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા જવાનના મૃતદેહને અમદાવાદથી સીધો ભિલોડા પોલીસ સ્ટેશને પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પહોંચતા અને આરોપીઓની ધરપકડની માંગ સાથે મૃતદેહ મૂકી રાખતા ૩૨ કલાક મૃતદેહ અંતિમવિધિથી વંચિત રહ્યો હતો. પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પરિવારજનોને આરોપીઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલવાની હૈયાધારણા આપતા આખરે બીએસએફ જવાનને સ્થાનિક પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ યોજાઈ હતી .
પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ વચ્ચે ચર્ચાઓના દોર ચાલ્યા પછી પોલીસતંત્રના અધિકારીઓએ આરોપીઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની હૈયા ધારણા આપતા પરિવારજનો અને સગા-સંબંધીઓએ બીએસએફ જવાનનો મૃતદેહ સ્વીકારતા જવાનના માદરે વતન પોલીસતંત્રના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા યોજાઈ હતી.