(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત શહેરના ડિંડોલી બ્રિજ ઉપર ગતરોજ સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વળતરની માંગ સાથે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવી રહ્યા હતા. દરમિયાન સહાયની માંગની બાંહેધરી મળતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામ-ડિંડોલીને જોડતા સાંકડા રેલવે ફલાય ઓવરબ્રિજ પર ઉધનાથી ડિંડોલી તરફ યમદૂત બનીને આવેલા સિટી બસના ડ્રાઇવરે ઓવર ટેકની લ્હાયમાં સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક પર બેસેલાં ત્રણ બાળક અને યુવક ફંગોળાયા હતા. જેમાં પિતા યશવંત પોનીકર, પુત્ર ભાવેશ અને ભત્રીજો ભૂપેન્દ્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવમાં એક જ પરિવારની ૩ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રો ગુમાવ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે ઇજાગ્રસ્ત છે. બનાવ બાદ બસ ચાલક ૩ કિ.મી. દૂર બસ મૂકીને નાસી ગયો હતો. બપોર બાદ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ બાબતે મૃતક યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સ્થળેથી મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે પરિવારજનો સહિતના લોકો એકઠાં થયા હતા અને વિરોધ નોંધાવી પોતાની માંગ મૂકી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, બ્રિજની નીચેનો રેલવે ફાટક બંધ હોવાથી આ ઘટના બની છે. ફાટક ખોલવામાં આવે તેવી માંગ છે. જ્યારે પરિવારને વળતર ચૂકવવામાં આવે અને સિટી બસના કોન્ટ્રાક્ટરને પરિવારને મળે. જ્યારે રાજ્ય સરકાર, મેયર ફંડ અને સિટી બસ કોન્ટ્રાક્ટરની સહાયની બાંહેધરી આપવામાં આવતા પરિવારજનોએ મૃતદેહનો સ્વિકાર કર્યો છે. હાલ મૃતદેહોને લઈને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. મૃત્યુ પામેલા પરિવારના ત્રણ સભ્યોને સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાતા મૃતકોના પરિવારજનોનો વિરોધ અને માંગના પગલે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. પરિવારજનોએ તેમની સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, ધારાસભ્યએ વળતરની બાંહેધરી આપી હતી.