(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ.વીરપ્પા મોઈલીએ શુક્રવારે કહ્યું કે, રાહુલ આંતરિક ચૂંટણી પ્રક્રિયા દ્વારા પાર્ટીના અધ્યક્ષ બનવાનું પસંદ કરશે. તેમણે સંકેત આપ્યા કે રાહુલ આગામી મહિને પણ આ જવાબદારી સંભાળી શકે છે. રાહુલે તાજેતરમાં કહ્યું હતું કે, જો પાર્ટી તેમને કહેશે તો તેઓ કારોબારીની જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલની નવી જવાબદારી સંભાળવી એ પાર્ટી માટે તસવીરનું વલણ બદલવા જેવું હશે. મોઈલીએ કહ્યું કે રાહુલે તાત્કાલિક ધોરણે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ તે પાર્ટી માટે યોગ્ય છે અને દેશ માટે પણ યોગ્ય છે. કોંગ્રેસમાં દરેકને લાગે છે કે, રાહુલના અધ્યક્ષ બનવામાં વિલંબ થયો છે. હવે રાહુલ આંતરિક ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે. તેઓ ફકત ચૂંટણી પ્રક્રિયા દ્વારા જ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (આઈસીસી)ના અધ્યક્ષ બનવા ઈચ્છે છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યોમાં આંતરિક ચૂંટણી પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂરી થવાની આશા છે. જે પછી આઈસીસી સ્તર પર ચૂંટણી યોજાશે. મોઈલીએ આગામી મહિને પણ રાહુલ પાર્ટી અધ્યક્ષ તરીકે યથાવત રહેશે તે અંગે સંભાવના વ્યકત કરી હતી. કોંગ્રેસની સંભાવનાઓમાં સુધારો લાવવા માટે શું કરવાની જરૂરિયાત છે તેમ પૂછવામાં આવતાં મોઈલીએ કહ્યું કે રાહુલ ગાંધી સુધારો કરી રહ્યા છે અને તેમણે દરેક રાજ્યો સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ લાવવાનો છે કારણ કે દરેક રાજ્ય એકબીજાથી અલગ છે તેવામાં રાજ્યવાર રણનીતિની જરૂરિયાત છે. ફકત તે રાજ્યો માટે જ નહીં જ્યાં આવનારા સમયમાં ચૂંટણી યોજાશે પરંતુ ર૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે પણ. મોઈલીએ કહ્યું કે આ રાહુલનો એક નવો દ્રષ્ટિકોણ છે.