(એજન્સી) મુંબઈ, તા.૧૬
અપકમિંગ ફિલ્મ ‘મુલ્ક’ને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. નિર્દેશક અનુભવ સિંહાએ એક ખુલ્લો પત્ર લખીને ટ્રોલ્સને જોરદાર પલટવાર કર્યો છે. સિંહાએ ટ્રોલ્સને આડે હાથ લેતાં લખ્યું કે ફિલ્મ ‘મુલ્ક’ માટે અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ કે કોંગ્રેસ અથવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) અથવા અન્ય કોઈ અથવા હિન્દુ કે મુસ્લિમ સંગઠનનું નાણાં રોકાણ નથી. ફિલ્મમેકર પર ફિલ્મના પ્રચાર માટે મુસ્લિમોની સહાનુભૂતિ હાંસલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફિલ્મ નિર્દેશક અનુભવ સિંહાએ સોમવારે ટ્‌વીટર પર પોસ્ટ કરીને નકારાત્મક અને ધૃણા ફેલાવનાર ટિપ્પણીકારોને આડે હાથ લીધા હતા. ફિલ્મ ‘મુલ્ક’ એક મુસ્લિમ પરિવાર પર લગાવવામાં આવેલ દેશદ્રોહનો આરોપ અને પછી સમાજમાં પુનઃ સન્માન પ્રાપ્ત કરવાની ઝુંબેશ વિશે છે. અનુભવ સિંહાએ ટ્રોલ કરનારાઓને વખોડી કાઢયા હતા. તેમણે જણાવ્યું કે દરરોજ ઢગલાબંધ પોસ્ટ લખવામાં આવે છે અને ચાર વર્ષથી દર કલાકે નામ અને ચહેરા વિનાની નફરત ફેલાવતી પોસ્ટ કરવામાં આવી રહી છે. એમણે સ્પષ્ટ કર્યું કે ‘મુલ્ક’ ફિલ્મમાં દાઉદ ઈબ્રાહીમના નાણાં નથી. તમે એમને પૂછી શકો છો. અહીંયા સુધી કે કોંગ્રેસનું પણ ‘મુલ્ક’ પાછળ નાણાં રોકાણ નથી. તમે રાહુલ ગાંધીથી પૂછી શકો છો અને આરએસએસના પણ નાણાં નથી આ અંગે સંઘ સંચાલક મોહન ભાગવતને પૂછી શકો છો. ફિલ્મકારે કહ્યું કે પોસ્ટ વાંચીને હસવું આવે છે અને દુઃખ પણ થાય છે.