લખનૌ, તા.રર
સામાન્ય ચૂંટણીઓ પહેલાં ઉત્તરપ્રદેશમાં ભાજપે પોતાના બંને સાથી પક્ષોનો ટેકો ગુમાવવો પડી શકે છે. રાજ્ય સરકાર અને ભાજપથી નાખુશ અપના દળના સંરક્ષક અનુપ્રિયા પટેલ અને અધ્યક્ષ આશિષ પટેલે ગુરૂવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે બેઠક કરી હતી. પ્રિયંકાના નિવાસસ્થાને યોજાયેલ આ બેઠકમાં બંને નેતાઓને કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવનાઓ અંગે વિચાર કર્યો હતો.
બીજી તરફ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભર પણ સપા સાથે સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે ભાજપના બંને સહયોગી ઘણાં સમયથી તેનાથી નારાજ છે. અપના દળ સતત રાજ્ય સરકાર અને ભાજપના રાજ્ય એકમ પર ઉપેક્ષાનો આરોપ મૂકી રહ્યું છે. અપના દળના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું કે ભાજપ સાથે અમને કેટલીક મુશ્કેલીઓ નડી અને તેને અમે ઉચ્ચ નેતૃત્વ સામે પણ મૂકી અને ર૦ ફેબ્રુઆરી સુધીનો અમે તેમને સમય આપ્યો કે આ સમસ્યાઓનું સમાધાન લાવે. પરંતુ તેમણે આ સમસ્યાઓનું સમાધાન ન કરતાં એ પ્રતીતિ થાય છે કે ભાજપને ફરિયાદો સાથે કોઈ લેવા દેવા નથી અને સમસ્યાઓના સમાધાનમાં કોઈ રૂચિ નથી. એટલે હવે અપના દળ સ્વતંત્ર છે. પોતાનો રસ્તો પસંદ કરવા માટે અમે પક્ષની બેઠક બોલાવી છે અને હવે પક્ષ જે નિર્ણય લેશે એ અમે કરીશું.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા મુજબ જો ગઠબંધન થશે તો પક્ષની આગેવાનીમાં બનનારા ગઠબંધનને અનુપ્રિયાના રૂપે ઓ.બી.સી. વર્ગનો એક મોટો ચહેરો મળી જશે.