(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલામાં ૪૦થી વધુ જવાનોની શહાદત અંગે શોક વ્યક્ત કરીન જણાવ્યું કે તેઓ અને તેમનો કોંગ્રેસ પક્ષ સરકારને સમર્થન આપશે અને આગામી થોડાક દિવસ સુધી અન્ય કોઇ ચર્ચા કરશે નહીં. આ મુશ્કેલ સમયમાં હું સરકાર અને જવાનોને ટેકો આપીશ. રાજકીય વિવાદો અંગેના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સમય કે સ્થળ આવા પ્રશ્નોના જવાબ આપવાના નથી. આ પળમાં અમે આ મુદ્દા સિવાય કોઇ પણ બાબતે ચર્ચા કરીશું નહીં હાલમાં માત્રને માત્ર દેશની પડખે ઉભા રહેવાની જરૂર છે. જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે કહ્યું કે શોકનો દિવસ છે. દેશે લગભગ ૪૦થી વધુ જવાન ગુમાવ્યા છે. આપણી સૌથી મોટી ડ્યુટી છે કે આપણે શહીદ થયેલા જવાનોના પરિવારોનો સંપર્ક કરીએ અને તેમને બતાવીએ કે આપણે બધા તેમની પડખે છીએ. તેમણે એવું પણ કહ્યું કે આપણે ત્રાસવાદી તાકાતો સાથે ક્યારેય પણ સમાધાન કરીશું નહીં અને તેમનો જોરદાર રીતે મુકાબલો કરીશું. તેમણે એવું પણ કહ્યું કે આ સમય કોઇ પણ વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવવાનો નથી.
હિન્દુસ્તાનના આત્મા પર હુમલો ગણાવીને શુક્રવારે જણાવ્યું કે તેમનો પક્ષ અને સમગ્ર વિપક્ષ આ વખતે સરકાર અને પોતાના સુરક્ષા દળોની સાથે ઉભા છે. રાહુલ ગાંધીએ પક્ષના હેડક્વાર્ટર ખાતે પત્રકારોને જણાવ્યું કે આ અત્યંત ભયંકર દુઃખદ ઘટના છે. આતંકવાદનો હેતુ અમારા દેશનો તોડવા અને વિભાજિત કરવાનો છે પરંતુ હું આ સ્પષ્ટ કહેવા માગું છું કે આ દેશને કોઇ પણ શક્તિ તોડી શકશે નહીં, વહેંચી શકશે નહીં. સંપૂર્ણ વિપક્ષ પોતાના સુરક્ષા દળો અને સરકારની સાથે ઉભો છે. તેમણે કહ્યું કે આ હુમલો હિન્દુસ્તાન અને સરકારની આત્મા પર થયો છે. જે લોકોએ પણ આ હુમલો કર્યો છે તેમને લાગવું જોઇએ નહીં કે તેઓ આ દેશને જરાય પણ હાનિ પહોંચાડી શકે છે. તેમને ખબર પડવી જોઇએ કે આ દેશ આ પ્રકારના હુમલાને ભૂલતો નથી.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે જૈશ-એ-મોહમ્મદના એક આંતકીએ વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફની જવાનો ભરેલી બસ સાથે ટકરાવી દીધી હતી અને પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૪૨ જવાન શહીદ થયા હતા અને અન્ય ઘણા ગંભીર રીતે ઘવાયા હતા.