(એજન્સી) તા.૯
તાજમહેલ પરિસરમાં થતી શુક્રવારની નમાઝમાં શહેર બહારના લોકો ભાગ લઈ શકે નહીં તે મુજબના આગ્રા વહીવટી તંત્રના આદેશને પડકારતી અરજી સુપ્રીમકોર્ટે રદ કરી હતી. જસ્ટિસ એ.કે.સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે. લોકો અન્ય મસ્જિદોમાં પણ નમાઝ પઢી શકે છે. ઉલ્લેખનીય છે કે, ર૪ જાન્યુઆરી ર૦૧૮ના રોજ આગ્રા સિટીના એડીએમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો આગ્રાના રહેવાસી નથી તેમને સુરક્ષા કારણોસર તાજમહેલમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે પ્રવેશવા દેવામાં આવશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે લોકોને નમાઝ પઢવા માટે તાજમહેલમાં જવાની શું જરૂર છે ? ત્યાં અન્ય મસ્જિદો પણ છે. તેઓ ત્યાં નમાઝ પઢી શકે છે.