(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
હજ કમિટીના ડ્રો બાદ જે ખુશનસીબ હાજીઓનો નંબર લાગ્યો છે. તેે સૌ પોતાનો પ્રથમ હપ્તો ભરવા સહિતની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. જો કે, જે લોકોના નામ હજ કમિટીના ડ્રોમાં નથી આવ્યા તેમના ઘણાં હજ ઈચ્છુકો ખાનગી ટૂર મારફતે હજ અદા કરવાની કોશિશમાં લાગી ગયા છે. ત્યારે કેટલાક લાયસન્સ વિનાના ટૂરવાળા તેમને ઓછા રેટમાં જ હજ કરાવવાની વાતોમાં ભરમાવે છે અને આમ, તેઓ હજની આશાએ તેઓની જીવન મૂડી આવા લોકોને હવાલે કરી દે છે. ત્યારબાદ એ જ વાત થાય છે કે, વિઝા લાગ્યા નથી કે, પછી હવે, ભાવો વધી ગયા છે. ત્યારે તેઓ માટે હજમાં જવું મુશ્કેલ થઈ જાય છે. એવું કહીં અન્ય ટૂર ઓપરેટરો હજ ઈચ્છુકોને ગુમરાહ કરે છે અને તેઓએ આપેલ નાણાં પરત કરવામાં ધાંધિયા કરે છેે. ગત વર્ષે પણ આવા ટૂરવાળાની વાતોમાં આવી કેટલાક હજ વાંચ્છુઓને એરપોર્ટ ઉપરથી પાછા જવું પડ્યું હતું. એમ ગુજરાત સ્ટેટ હજ-જિયારત ટૂૂર ઓર્ગેનાઈઝર્સ એસોસિએશનના પ્રમુખ હાજીયાકુબભાઈ મુન્શી તથા સક્રેટરી અકબરભાઈ રાણા તેમજ કારોબારી સભ્યોએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
એસોસિએશનની યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, હજના લાયસન્સધારક ખાનગી ટૂર ઓપરેટર જ હજ બુકિંગ કરી શકે છે. હજ ઈચ્છુકોએ હજ બુકિંગ કરાવતા પહેલાં તેનો રેકોર્ડ તપાસવો તેમજ તેની ટૂરમાં હજ્જેબયતુલ્લાહ જઈ આવેલ હાજીઓ પાસેથી તેની સર્વિસ અંગેની જાણકારી પ્રાપ્ત કરી, સંતુષ્ઠ થયા બાદ જ હજનું બુકિંગ કરાવે. અમૂક વખતે સારી રીતે ઉમરાહ કરાવનારને જ હજનુું બુકિંગ આપી દે છે. પછી ભલેને તેની પાસે હજનું લાયસન્સ ન હોય. બાદમાં આ જ ઉમરાહ ટૂરવાળો તેમને કે તેમના સ્વજનને મુશ્કેલીમા મૂકી દેતો હોય છે. આજે જી.એસ.ટી. તથા સઉદી સરકારના ખર્ચા વધી ગયા છે ત્યારે ખાનગી ટૂર્સ મારફત સસ્તી હજની ઉમ્મીદ રાખવી વ્યર્થ છે.અંતમાં જણાવ્યું છે કે, સસ્તાના ચક્કરમાં ન તો પોતે પડે, ન બીજાને તે રસ્તો બતાવે. ગુજરાતના લાયસન્સધારક ટૂર ઓપરેટર મારફત જ હજનું બુકિંગ કરાવે અને આરામથી હજના અરકાનો અદા કરે તે જરૂરી છે.