(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
વિધાનસભાની ચૂંટણી પછીના સમયગાળામાં છડે ચોક મારી ટિકિટ કાપનાર જન્મ્યો નથી એમ કહેનાર ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની જ ટિકિટ આખરે કપાઈ જતાં તેઓ બરોબરના ધુઆંપૂઆં થયા છે અને તેમણે ભાજપ સામે બળવો પોકારી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દેતા પંચમહાલ વિસ્તાર સહિત રાજયભરમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. તો બીજી તરફ પ્રભાતસિંહ ચૂંટણીમાં ઝંપલાવે તો ભાજપ માટે કપરા ચઢાણની સ્થિતિ સર્જાવાની બીકે ભાજપના અગ્રણીઓ તેમને મનાવવા દોડતા થઈ ગયા છે.
ભાજપ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને હાલના લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવ્યા બાદ પ્રભાતસિંહ અને તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. નારાજ પ્રભાતસિંહ દ્વારા આજથી પોતાના ટેકેદારો સાથે બેઠકો યોજવાની શરૂઆત કરી છે. આજે કાલોલ ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે પોતાના સમર્થકો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૦૯માં મને હરાવવા માટે શંકરસિંહ સામે મને ટિકિટ આપી હતી પરંતુ તેમની સામે પણ જીત્યો હતો. ૨૦૧૪ માં પણ તમે મને સારી બહુમતીથી જીતાડ્યો હતો. ૨૦૧૯ની ચુંટણી જાહેર થતા મેં પણ ટિકિટની માંગણી કરી હતી અને અમિત શાહને મળ્યો હતો ત્યારે અમિત શાહે મને ઉંમરનું બહાનું બતાવ્યું હતું, ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે મારી જન્મ તારીખ ખોટી છે મારી સાચી જન્મ તારીખ મારા મોટા ભાઈએ હાથથી લખેલી છે તે તેમને બતાવી હતી, ત્યારે તેમણે વિચારીશું તેમ જણાયું હતું. ટિકિટ કપાવા પાછળનું મુખ્ય કારણ પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક છે. આ બંને સંસ્થાઓ પંચમહાલ, દાહોદ અને મહીસાગર અમે ૩ જિલ્લા વચ્ચે એક જ છે જેનું વિભાજન કરી અલગ અલગ સ્થાપનની માંગ કરેલી છે. જે જેઠા ભરવાડને પરવડે તેમ નથી માટે તેમણે સ્થાનિક નેતાઓનો સંપર્ક કરી રતનસિંહ રાઠોડને ઉભા કરી તેમને ટિકિટ આપવી છે. જેઠા ભરવાડે મને ટિકિટ કોઇપણ સંજોગોમાં ન મળે તે માટે વિટામીન એમ (રૂપિયા) સહિતના પ્રલોભનો આપી મારી ટિકિટ કપાવી છે. જો રતનસિંહ સાંસદ બને તો લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડે અને તે બેઠક પર મહીસાગર જિલ્લાના હાલના ભાજપ પ્રમુખ જે.પી પટેલ ધારાસભ્ય બને તેવું જેઠા ભરવાડનું સેટિંગ છે. તેમણે એક કાંકરે ૩ પક્ષી માર્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પણ કહેતા હતા કે પંચમહાલ લોકસભા બેઠકનો ઉમેદવાર તો પંચમહાલ જિલ્લાનો જ જોઈએ તો પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે તેમણે રતનસિંહ રાઠોડનું સ્વાગત કેમ કર્યું ? તેમ વધુમાં તેમણે કહ્યું હતું.
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પાર્ટીથી નારાજ થઇને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પ્રભાતસિંહે પોતાના મતવિસ્તારમાં સંપર્ક શરૂ કર્યો છે, જેમાં પ્રભાતસિંહના બાગી બોલ સામે આવ્યા હતા અને તેમણે તો ૧ એપ્રિલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે, ફોર્મ ભરવાની ખબર લોકો સુધી પહોંચે તે માટે તેમણે કાર્યકર્તાઓને પણ કામે લગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાતસિંહ ઘણા સમયથી ભાજપથી નારાજ જણાય રહ્યા હતા. આ સિવાય તેઓ પોતાના સ્ટેટમેન્ટને કારણે પણ વિવાદમાં રહેતા હતા. તેમની આ જાહેરાતથી ભાજપ ગુજરાતમાં દોડાદોડી ચાલુ થઇ ગઇ છે.