(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
આણંદ જિલ્લાનાં બોરસદ નગરપાલીકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ ટર્મની અઢી વર્ષની મુદ્દત પુરી થતાં બીજી ટર્મનાં અઢી વર્ષની મુદ્દત માટે આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે દસ અપક્ષોના ટેકાથી સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે અને પ્રમુખ પદે કોંગ્રેસના રમેશભાઈ રબારી અને ઉપપ્રમુખ પદે અપક્ષ કાઉન્સીલર સોકતખાન બીન હરીફ ચુંટાઈ આવ્યાં છે. આ ચુંટણીમાં એક સમયના બે દુસ્મનો ભેગા થયા હતાં અને એક કાંકરે અનેક પક્ષી મારવામાં કોંગ્રેસ સફળ રહી છે. પરીણામ જાહેર થતાં જ બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસીંહ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ સીસ્ત સમીતીના ચેરમેન નટવરસીંહ મહીડાએ વીજેતા ઉમેદવારોને અભીનંદન આપ્યાં હતાં અને ત્યારબાદ ટેકેદારોએ પાલીકા ભવનની બહાર દારૂખાનુ ફોડી વીજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસે દસ અપક્ષ કાઉન્સીલરોના ટેકાથી સત્તા જાળવી રાખવામાં સફળ પ્રાપ્ત કરી છે. આજે યોજાયેલી બેઠકમાં દસ કોંગ્રેસનાં બે ભાજપનાં, અને ૧૯ અપક્ષ કાઉન્સીલરો હાજર રહ્યાં હતાં.ત્યારબાદ કોંગ્રેસએ પોતાનાં સમર્થકો સાથે વિજય રેલી કાઢી હતી.