(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
કોંગ્રેસમાં દૂધ પી ઉછરેલા અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આસ્તીનકા સાંપ સાબિત થયા હોય તેમ લોકસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાવવા થનગની રહ્યા હતા. કોંગ્રેસે તેના સિનિયર આગેવાનોને ન આપ્યું તેનાથી વધુ અલ્પેશ ઠાકોરને આપ્યું છતાં કોંગ્રેસમાં પોતાની અવગણનાનો રાગ આલાપી અલ્પેશે ભાજપમાં જોડાવવાનું નક્કી કરી લીધું છે. અમદાવાદમાં આજે યોજાયેલી ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક બાદ ઘણા દિવસથી ચાલતી ચર્ચાનો આખરે અંતે આવ્યો છે. અલ્પેશે આખરે મગનું નામ મરી પાડતાં અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધવલસિંહ હાજર રહ્યા હતા. જો કે, અલ્પેશ ઠાકોર સેનાની કોર કમિટીમાં સભ્ય ન હોવાથી તેે આ બેઠકમાં હાજર રહ્યો ન હતો.
ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, કોર કમિટી જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. અલ્પેશે સમાજનું અને સમાજના ગરીબોનું કામ કરવા માટે સરકારનો સહકાર જોઈએ અને સારો નિર્ણય લઈશ તેમ પણ કહ્યું હતું. ત્યારે આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક બાદ ભાજપમાં ક્યારે જોડાવવું તે અંગે નિર્ણય ટૂંક સમયમાં કરશે.
ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને શિરોમાન્ય છે. હવે આ મામલે ભાજપના નેતા સાથે ઠાકોર સેના ચર્ચા કરશે. જો કે પહેલાથી નક્કી માનવામાં આવતું હતું કે, અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે જે આજની બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે.
રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશે અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરતા જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે, હવે તેઓ કોંગ્રેસને બાય બાય કરશે. આ પહેલા પણ ઘણીવાર અલ્પેશ ભાજપના સિનિયર નેતા સાથે નજરે પડ્યા હતા. અલ્પેશના નવા ઘરના વાસ્તુના પ્રસંગે પણ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. જો કે, કોંગ્રેસે માથે ચઢાવેલા અલ્પેશને ભાજપે શરૂઆતથી જ માપમાં રાખ્યો હતો. ગઈકાલે તો તેણે ઠાકોર સેનાના સભ્યોને એસ.એમ.એસ. કરી કમલૂમ ખાતે હાજર થવા જણાવી દીધું હતું પરંતુ ભાજપે અલ્પેશને ઠપકો આપી માપમાં રહેવા જણાવી તમારે ભાજપમાં ક્યારે જોડાવું તે અમે નક્કી કરીશું તેમ જણાવતા અલ્પેશ ભોઠો પડ્યો હતો હવે નાક લીટી તાણી ભાજપ કહેશે ત્યારે તે પક્ષનો ખેસ ધારણ કરશે.