(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના બે સંતાનોને લઇને ગત મોડી રાત્રે ઉધના અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મહિલાએ ત્રણ સંતાનોને લઇને ટ્રેક ઉપર પહોંચી હતી, ત્યારે એક પુત્રી ગભરાઇને ટ્રેક ઉપરથી ઉઠીને ભાગી જતા તે બચી ગઇ હતી. સામે દિવાળી પર્વ હોઇ કામ ધંધા બાબતે પતિ સાથે બોલાચાલી થયા બાદ મહિલાએ આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ ચીકુવાડી સ્થિત આર્વિભાવ સોસાયટીમાં રહેતા આશાબેન સંતોષ પાટીલ (ઉ.વ.૪૦) અને પતિ વચ્ચે ગતરોજ કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી. જેના કારણે તેમને ખોટું લાગી આવ્યું હતું. બોલાચાલી થયા બાદ પતિ સૂઇ ગયો હતો અને મોડી રાત્રે આશરે દોઢવાગે આશાબેન પુત્રી દિપાલી (ઉ.વ.૧૩), દિવ્યા (ઉ.વ.૧પ) અને પુત્ર મનીષ (ઉ.વ.૧૧)ને લઇને ઘરેથી નીકળી ગયા હતા અને ઉધના ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે કિ.મી.નં.૨૬૧-૧૩૧૭ પાસે બાળકો સાથે ટ્રેક ઉપર સુઇ ગયા હતા, ત્યારે સામેથી આવતી ધસમસતી ટ્રેન જોઇને પુત્રી દિવ્યા ગભરાઇને ઉઠીને ભાગી ગઇ હતી જ્યારે આશાબેન અને તેના અન્ય સંતાનો વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસથી કપાઇને મોતને ભેટી ગયા હતા. ઘટનામાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે ઘટના અંગે ખબર પડતા નજીકમાં રહેતા રહીશો ટ્રેક ઉપર દોડીને આવ્યા હતા. ટ્રેક પર માતા અને બે સંતાનોના મૃતદેહ જોઇ તેઓના રૂવાટા ઉભા થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા રેલવે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસને એક મોબાઇલ મળી આવ્યો હતો. જેના આધારે મોતને ભેટનાર પરિવારની ઓળખ કરવાની સાથે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ત્રણેયના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, સંતોષ પાટીલ લુમ્સ કારખાનામાં કામ કરે છે. તેમને મરનાર બે સંતાનો સિવાય અન્ય એક પુત્રી છે. તેઓ મહારાષ્ટ્રના જિલ્લા જલગાંવ ખાતેના પારોલા તાલુકાના વતની છે. ઘટનાના પગલે પરિવાર તેમજ સગા-સંબંધીઓમાં ભારે શોક વ્યાપી ગયો છે. રેલવે પોલીસ વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.