ભૂજ,તા.૧૪
યુવા હૈયાઓ જ્યારે વેલેન્ટાઈન ડેના પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા હતા ત્યારે તે જ દિવસે કચ્છમાં એક પ્રેમીયુગલે સજોડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી.માંડવી તાલુકાના બિદડા ગામના ૧૯ વર્ષના ફેનીલ મંગલ સંઘાર નામના યુવાન અને બાજુના નાની ખાખર ગામની એક ૧૭ વર્ષની કિશોરીએ આજે સવારે યુવાનના ઘરે જ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન ફેનીલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને ૧૭ વર્ષીય કિશોરી અભ્યાસ કરતી હતી. આજ રોજ યુવાનના પરિવારના સભ્યો લગ્નપ્રસંગે બહાર ગયા હતા ત્યારે યુવક અને યુવતી યુવાનના ઘરે મળ્યા હતા અને એકબીજાને ગુલાબ ફૂલ આપી સજોડે ગળેફાંસો ખાઈ લીધો હતો. માંડવી પોલીસે બનાવના સ્થળેથી ગુલાબના ફૂલ, ઝેરી દવાની બોટલ પણ કબ્જે કરી છે. આ પ્રેમી યુગલે એકસાથે મરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હોય તેમ ઝેરી દવાની બોટલ પણ સાથે રાખી હતી. જો કે બંને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.