(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
ફતેગંજ વિસ્તારનાં કલ્યાણનગરમાં પોતાના મકાનનાં સ્થળે જ મકાનો આપવાની માંગ સાથે મહાનગર પાલિકામાં રજુઆત કરવા ગયેલી વિસ્થાપિત મહિલાઓએ ડે.કમિશ્નરને બંગડીઓ આપી ઘરમાં બેસી રહો… તેમ જણાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. કલ્યાણનગરમાં જ મકાન આપવાની માંગ સાથે આવેલ મહિલા મોરચા પૈકી એક મહિલાએ પાલિકાનાં કંપાઉન્ડમાં પોતાની ઓઢણી વડે ફાંસો ખાવાનો પ્રયાસ કરતાં અફરા તફરી મચી જવા પામી હતી. બંદોબસ્તમાં રહેલ પોલીસે બેભાન બની ગયેલ મહિલાને ૧૦૮ માં સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
સ્માર્ટ સીટી હેઠળ સ્લમ વિસ્તારને દુર કરી આ જ સ્થળે રહેતાં લોકોને તેમના મકાનોનાં સ્થળે પાકા મકાનો બાંધી આપી મકાનો દુર કર્યા હતા. તે જ રીતે ફતેગંજ વિસ્તારનાં કલ્યાણનગરમાં પણ સ્લમ વિસ્તારને દુર કરીને તેના રહીશોને આ જ સ્થળે નવા મકાનો ફાળવી આપવાની બાંહેધરી આપી તેમનાં મકાનો તોડી પાડયા હતા. હાલમાં કલ્યાણનગર ખાતે પાકા મકાનો બની ગયા હોવા છતાં આ જ સ્થળે રહેતા રહીશોને દુર દુર મકાનો આપવામાં આવ્યા છે. જેથી આ રહીશો મકાનો તૈયાર થઇ ગયા હોવાથી અમારા સ્થળે જ મકાનો ફાળવી આપો તેવી માંગ છેલ્લાં ૩ દિવસથી કરી રહ્યાં છે. આજે કલ્યાણનગરની મહિલાઓનો મોરચો મહાનગર પાલિકાની મુખ્ય કચેરીએ આવ્યો હતો. મહિલાઓએ ડે.મ્યુનિ.કમિશ્નર ધવલ પંડયાને મળી રજુઆત કરી હતી. વિસ્થાપિત સલમા કુરેશીએ જણાવ્યું હતું કે, કલ્યાણનગરમાં પાલિકા દ્વારા ઝુપડા દુર કરવામાં આવ્યા હતા જે તે સમયે પાલિકા દ્વારા આવાસો ફાળવામાં આવ્યા હતા. કલ્યાણનગરમાં મકાનો તૈયાર થઇ જશે ત્યારે તે જ સ્થળે તમને મકાન આપવામાં આવશે તેમ છતાં હવે મકાનો તૈયાર થઇ ગયા હોવા છતાં આપતા નથી.
ડે.મ્યુનિ.કમિશ્નર ધવલ પંડયાને રજુઆત કરી હતી. પરંતુ તેમની પાસેથી યોગ્ય જવાબ નહીં મળતા રોષે ભરાયેલી મહિલાઓએ બંગડીઓ આપી છેલ્લા ૩ દિવસથી અમોને ધક્કા ખવડાવો છો. અમારા મકાનનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી તેમ કહી બંગડીઓ આપી ઘરે બેસી રહેવાનું જણાવી રોષ ઠાલવ્યો હતો. ડે.મ્યુનિ.કમિશ્નર પંડયાએ જણાવ્યું હતું.