અમદાવાદ, તા.૧૪
કરાઈ પોલીસ એકેડેમીમાં ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી ચાણક્યપુરીમાં આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના કેસ મામલે ફરી ભૂત ધૂણ્યું છે. PSIના પરિવારજનોની પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પાંચ પાંચ મહિના વીત્યા હોવા છતાં હજી સુધી આરોપી DYSP એન.પી. પટેલ પર કોઇ કાર્યવાહી થઇ નથી, જેથી તેમના પર યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે. PSI દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારજનોએ મીડિયાને જણાવ્યું હતું કે, મારા પતિના મોત મામલે સાત દિવસની અંદર યોગ્ય અપાવવાની માંગણી કરી છે અને જો ન્યાય નહીં મળે તો આપઘાત કરી લેવાની ચીમકી આપી છે. મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે પોતાના પતિના આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી છે. PSI દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ અને પરિવારજનોએ જણાવ્યું કે, મેં પાંચ મહિનામાં અનેક કચેરીઓના ધક્કા ખાધા છે, પરંતુ કોઇએ મને સરખો જવાબ આપ્યો નથી. જેથી હવે કંટાળીને ડિમ્પલે જણાવ્યું છે કે, સાત દિવસમાં ન્યાય નહીં મળે તો તેઓ ગાંધીનગર ખાતે આવેલા સચિવાલયમાં આપઘાત કરી લેશે. આ સાથે PSI દેવેન્દ્રસિંહ રાઠોડનો પરિવાર કમિશનર કચેરી ખાતે ધરણાં કરશે. અગાઉ અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ડીવાયએસપી એન.પી. પટેલ વિરૂદ્ધ મોટા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. પરંતુ મારા પતિ ટસથી મસ ન થતા આખરે આપઘાતનો વિચાર કર્યો હતો. જેથી પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા, મેં જ્યારે નાની દીકરીની કસમ ખવડાવી ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. પત્ની ડિમ્પલે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરી ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી પણ આપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાણકયપુરી આરસી ટેકનીકલ રોડ પર આવેલા રાજયોગ રો-હાઉસમાં રહેતા મૃતક પીએસઆઇ દેવેન્દ્રસિંહના પિતાસત્યેન્દ્રસિંહ નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મોટો દિકરા દેવેન્દ્રના લગ્ન ડિમ્પલ સાથે ૨૦૧૨માં થયા હતા. તેને સંતાનમાં એક દિકરી પલ (ઉ.૩) છે. દેવેન્દ્ર રાઠોડ ૨૦૧૬-૧૭માં પીએસઆઇની ભરતીમાં ગુજરાતમાં ફસ્ટ સિલેક્ટ થયો હતો અને કરાઈમાં તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ૩૧મી ડિસેમ્બરે દેવેન્દ્રએ ઘરના પહેલા માળે રીવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં સોલા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી અને લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો પરંતુ બાદમાં ડીવાયએસપી સામે ફરિયાદ ન નોંધતા ૭૨ કલાક સુધી પરિવારે લાશ સ્વીકારી ન હતી. ઝોન-૧ ડીસીપી જયપાલસિંહ રાઠોડે પરિવારને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહોતા. આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી સી.એન.રાજપુત અને ભગીરથસિંહ ગોહિલ તપાસ ટીમ સાથે પરિવારની મુલાકાત લઈને પાંચ કલાકની સમજાવટ બાદ મામલો થાળે પાડી તેમની મરજી મુજબ ફરિયાદ લીધી હતી.