અમદાવાદ, તા.ર૩
સરકાર એક તરફ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હોવાના દાવા કરી રહી છે જ્યારે બીજી તરફ ખેડૂતો પરેશાન હાલ છે અને સિંચાઈ માટે પાણી છોડવાની વાત કરી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના ઝઝામ સાયફન કેનાલ ખાતે ૧૦ વધુ ગામના ખેડૂતોએ નર્મદાની માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ પાણી છોડવામાં નહીં આવે તો આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે નર્મદાની માઈનોર કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ઝઝામ સાયફન કેનાલ પર ૧૦થી વધારે ગામનો ખેડૂતોએ હંગામો મચાવીને સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ નર્મદાની માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આપઘાત કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. હાલ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે. તેમજ સરકારને સિંચાઈ માટે પાણી પુરૂં પાડવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ હજુ અનેક વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચ્યા નહીં હોવાથી ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યાં છે. બીજી તરફ નર્મદાની કેનાલમાંથી પાણી ચોરીની ઘટનાઓ અટકાવવા માટે સરકાર દ્વારા કેનાલ ઉપર સિક્યુરિટી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના ઝઝામ સાયફન કેનાલ ખાતે ૧૦થી વધુ ગામના ખેડૂતોએ નર્મદાની માઈનોર કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા વિરોધ નોંધાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાણી છોડવામાં નહીં આવે તો આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઝઝામ ખાતે નર્મદા કેનાલ પર દુનિયાના સૌથી મોટા સાયફનનું તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમજ ઉદ્‌ઘાટનના બે દિવસ બાદ જ કેનાલમાં ગાબડા પડ્યાનું પણ ફરિયાદો ઊઠી હતી.