માંગરોળ, તા.૧૪
માંગરોળ નગરપાલિકાના સફાઈ કામદારોના એક મહિલાએ બમણી કામગીરી અને સુપરવાઈઝહના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ માંગરોળ પાલિકામાં રોજમદાર તરીકે સફાઈનું કામ કરતા રેખાબેન રાજેશભાઇ ટીમાળીયાએ સુપરવાઈઝરના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી લેતા માંગરોળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે રેખાબેનએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાલિકામાં સુપરવાઈઝર તરીકે નિગરાની રાખતા મહેન્દ્ર રમેશ ઝાલા તેમને વારંવાર બમણું કામ આપી માનસિક ત્રાસ આપતા હોય આજે સવારે ત્રણ જણ સફાઈ કરી શકે તે રસ્તાનું સફાઈ કામ એકલા હાથે કરવાની ફરજ પાડેલ ત્યારે સાથે બીજા મજૂર જોડવાનું કહેતા તેમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી અને તમારાથી જે થાય એ કરી લો તેવું કહેતા. તણાવમાં આવી રેખાબેન ફીનાઈલ ગટગટાવી લીધું હતું. રેખાબેનની તબિયત બગડતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં વાલ્મીકિ સમાજના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
વાલ્મીકિ સમાજના પ્રમુખ શું કહે છે.?
આ બાબતે વાલ્મીકિ સમાજના પ્રમુખ દામજીભાઈ સામજીભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, અમારી સમાજના સફાઈ કામદારોએ અગાઉ પણ આવા બનાવો બાબતે અનેક વાર ફરિયાદો અને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ખાસ તકેદારી દાખવવામાં આવી નથી. આજે પણ આટલી મોટી ઘટના બનવા છતાં પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કે પાલિકાની કોઈ પણ વ્યક્તિ જોવા કે પૂછવા માટે પણ આવ્યું નથી.
ચીફ ઓફિસરના ગલ્લા-તલ્લા
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર પરબત ચાવડાનો સંપર્ક કરતા તેઓને જાણે કાંઈ ખબર જ ન હોય તેમ અજાણ્યા બની ગલ્લા-તલ્લા કરી જણાવ્યું હતું કે હું આજે રજા પર છું. મને કાંઈ ખબર જ નથી. ત્રણેક દિવસ પહેલા કામ કરવા બાબતે ફરિયાદ આવી હતી. તેમાં કર્મચારીઓ દ્વારા સફાઈ કામદારોને ગેરહાજર કે મોડા આવવા બાબતે ઠપકો આપતા હોય છે તેમાં પણ મે જરૂરી સૂચનો કર્યા હતા. આજની ઘટના વિશે મને કાંઈ ખબર નથી….!