(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
સુરતની લાજપોર જિલ્લા જેલમાં એક કેદીએ પોતાના જ બેરેકમાં માથે ટી-શર્ટ નાંખી આગ ચાંપી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
શહેરના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતે રહેતો રાજુ કૈનાયાલાલ મધનારી હત્યા કેસમાં છેલ્લા ૧૦ મહિનાથી કાચા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો છે. જો કે, ગતરોજ અચાનક જ કેદીએ પોતાના જ બેરેકમાં માથે ટી-શર્ટ નાંખી આગ ચાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કેદીએ જણાવ્યું હતું કે, વિધુર જીવન જીવું છું. ભાઇ-બહેને પણ જેલમાં મળવા આવતા નથી, માનસિક બીમારીની દવા ચાલે છે. આવા અનેક કારણોને લઇને હવે જીવવું નથી. જેથી પોતાની બેરક નંબર બી-૭માં તેમણે માથે ટી-શર્ટ બાંધી આગ ચાંપી દીધી હતી. જો કે, સળગીને આપઘાત કરી લઇ તે પહેલાં સાથી કેદીઓએ બચાવી લીધો હતો. માથે અને મોં પર ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ જેલ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક સારવાર લાજપોર જેલમાં જ આપવામાં આવી હતી. જો કે, ઘટનાના ૨૪ કલાક બાદ જેલ સત્તાધીશોએ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. લાજપોર જેલના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.