(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરત શહેરના મજુરાગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં ફર્સ્ટ યર રેસિડેન્ટ તબીબે ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઈ હતી. સાથી તબીબ વિદ્યાર્થીઓના ધ્યાન પર આવતા તાત્કાલિક મેડિસિન આઈસીયુમાં એડમિટ કરી દેવામાં આવી હતી. જ્યાં હાલ તેની તબિયત સુધારા પર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી રેસિડેન્ટ તબીબ મેડિસિન વિભાગમાં પીજીનો અભ્યાસ કરે છે. દરમિયાન એફ-ઝીરો વોર્ડમાં ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથી તબીબ વિદ્યાર્થીઓના ધ્યાન પર આવતા તાત્કાલિક મેડિસિન આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબે આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતા મેડિસિન વિભાગના તબીબો દોડતા થઈ ગયા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર રેસિડેન્ટ તબીબની તબિયત હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. રેસિડેન્ટ તબીબે વર્ક લોડના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે પરિવાર ઘરે લઈ ગયા હતા. કામના વર્ક લોડને લઈને પરિવાર રેસિડેન્ટ તબીબના મેડિસિન વિભાગનો ઉચ્ચ અભ્યાસ છોડાવી દેવાની પણ વાત કરતા હતા.