(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
શહેરના ડિંડોલી રોડ વિસ્તારમાં રહેતો રત્નકલાકાર મારવાડી સમાજના ગુરૂબાપુના ભંડારામાંથી પરત ફરતી વખતે તેનું ત્રણ અજાણ્યાઓ ઈકો કારમાં અપહરણ કરીને ખરવાસા-સચિન રોડ પર લઈ જઈ માર મારીને હનુમાન મંદિર પાસે ફેંકી નાસી છૂટ્યા હતા. જેને ગંભીર હાલતમાં ૧૦૮ની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ડિંડોલીની પ્રિયંકા મેટ્રો સિટી ખાતે રહેતા ૩૨ વર્ષીય વિજય દિપક વિસોલીયા રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે સાંજે મણિભદ્ર સોસાયટીમાં ભંડારામાં વિજય ગયો હતો. જ્યાંથી નીકળતી વખતે ઈકો કારમાં આવેલા ૩ અજાણ્યા ઈસમોએ કારમાં અપહરણ કરી માથામાં હથોડાના ઘા ઝીંકીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. વિજયે સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેઓ ભૈયાની ભાષા બોલતા હતા. એક વર્ષથી શોધી રહ્યા હોવાનું તથા મારી નાખવાના રૂપિયા મળ્યા હોવાનું કહેતા હતા. અપહણર અને હત્યાના પ્રયાસ અંગે વિજય અજાણ હોવાનું કહ્યું હતું. વિજયના ૮ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયેલા જેમાં તેને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાતે વિજય ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયું હતું. જો કે આ બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.