(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૭
જૂનાગઢ ખાતે સક્કરબાગ નજીક બનેલા એક બનાવમાં અપહરણ કરી પૈસા કઢાવવા બાબતે પૂર્વયોજીત કાવતરૂ કરી હુમલો કરી ધાકધમકી આપ્યાની ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવ તા.ર૭/૧૦/૧૮ના અરસામાં બનેલ છે અને તા.૦૬/૧ર/૧૮ના ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જયસુખભાઈ મોહનભાઈ પટેલ (ઉ.વ.૩૯) રહે.ખલીલપુર, તા.જૂનાગઢએ કાંતિભાઈ ધુતાપુરવાળા, પ્રવિણભાઈ ભાદ્રાવાળા, પ્રવિણભાઈ મોરબીવાળા, અશ્વિનભાઈ ભાદ્રાવાળા, બજરંગ એગ્રો ભાદ્રાવાળા, લાલાભાઈ ભાદ્રાવાળા વગેરે સામે એવી ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીએ આરોપી ક્રાંતિભાઈ ધુતાપુરવાળા તેમજ નવસારીની શીતલ મારફતે બે છોકરીઓના લગ્ન પ્રવિણભાઈ મોરબીવાળા તથા અશ્વિનભાઈ ભાદ્રાવાળાની સાથે કરાવેલ તેના રૂા.૧,૭૦,૦૦૦ શીતલે લીધેલ ત્યારબાદ લગ્ન કરેલ છોકરીઓ ભાગી ગયેલ. જે અનુસંધાને આ આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી ફરિયાદી તથા સાહેદનું છરી બતાવીને બળજબરીથી ઈકો ગાડીમાં અપહરણ કરી લઈ જઈ અશ્વિનભાઈ ભાદ્રાવાળાની વાડીએ ર૪ કલાક ગોંધી રાખેલ. ફરિયાદી પાસેથી રૂા.ર,પ૦,૦૦૦ કઢાવવા માટે ફરિયાદી તથા સાહેદને ધાકધમકીઓ આપીને જાનથી મારી ધમકી આપેલ. સાહેદ રતાભાઈ રબારી પૈસા લઈને રાજકોટ આવેલ અને તેમની પાસેથી પૈસા લઈને ફરિયાદી તથા સાહેદ રાજુને મુક્ત કરીને આચરેલા ગુનામાં એકબીજાઓએ મદદગારી કરીને ગુનો કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે.