(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શહેર નજીકનાં દશરથ ગામમાં રહેતા ટેન્કરના ચાલકનું રૂપિયા અઢી લાખની લેવડ દેવડ મામલે કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે ગણત્રીના કલાકોમાં અપહરણકારોની શોધી કાઢ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. છાણી દુમાડ રોડ પર ઓમ રેસીડન્સીમાં રહેતા જશવિંદર હરજીન્દર આલોકના ભાઇ સંતોકસીંગ આલોક ધર્મેન્દ્રસિંહ બાપુના ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ટેન્કર ચાલક તરીકે ફરજ બજાવે છે. જશવિંદરકૌરની માતાની તબિયત સારી ન હોવાથી બુધવારની સાંજે તેઓ દશરથ ખાતે રહેતા પિતાને આવ્યા હતા ત્યારે તેના ભાઇ સંતોકનાં મિત્ર અંકિત અરૂણસીંગ (ઉ.વ.૨૫) અને જગ્ગી તેના ઘેર આવ્યા હતા. બંનેએ હિન્દીમાં હાલમાં ઉતાવળમાં છીએ તેમ જણાવી સંતોકને બહાર બોલાવી કારની પાછળની સીટ પર બેસાડીને રવાના થયા હતા. પોતાના ભાઇનું અપહરણ થયું હોવાની ફરિયાદ જશવિંદરકૌરે છાણી પોલીસ મથકમાં નોંધાવી હતી. રૂપિયા અઢી લાખની માંગણી સાથે સંતોકસીંગનું અપહરણ થયું હોવાનું માલુમ પડતાં પોલીસ એકશનમાં આવી હતી.
પોલીસની વિવિધ ટીમોએ અપહરણકારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે સંતોકને કારમાં રવિન્દ્ર ગોસ્વામી અને અંકિતસીંગ સેલવાસ ખાતે લઇ ગયા છે. જેને પગલે પોલીસે સેલવાસ જઇ બંને અપહરણકારોને ઝડપી પાડયા હતા. અને સંતોકસીંગને આઝાદ કર્યો હતો. બંને અપહરણકારો પાસેથી સંતોકસીંગે સસ્તા ભાવે ડિઝલ ખરીદવા માટે રૂા.અઢી લાખ પડાવી લીધા હતા. બાદમાં ડિઝલ નહીં આપતા તેમજ રૂપિયા પણ પરત આપતો ન હોવાથી બંને જણાંએ સંતોકસીંગનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું.