ભાવનગર,તા.૬
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મહાવીર મહિલા સોસાયટીના પ્લોટ નં. ૧૮મા રહેતા અરૂણભાઈ દવેના મકાનમાં આજે ગુરૂવારે નરૂ રજપૂત, હર્ષદ, જશુ જસકા અને અજય ભુદેવ સહિતના ૯થી ૧૦ શખ્સોના ટોળાએ મકાનમાં ઘુસી જઈ અરૂણભાઈના પુત્રો ભવદીપ અને ચેતનને વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણી કરી અરૂણભાઈના પરિવારની મહિલા સભ્યો મકાનમાં હોય છતાં બહારથી મકાનને તાળું મારી વ્યાજની રકમ પેટે મકાનનો કબજો જમાવી વસુલાત માટે પ્રયત્નો કર્યા હતા. પોતાના પૈસા પુરા ન પડાય તો સ્કૂલે ગયેલા બાળકો ઘરે આવે ત્યારે તેનું અપહરણ કરવાની ખુલ્લી ધમકી આપી હતી. આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે ઉકત શખ્સો નાસી છુટયા હતા. મકાનને મારેલ તાળું તોડી મહિલાઓને મુકત કરવા પી.આઈ. રાવળ પોતે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ તમામ બાબત પોલીસ મથકે પહોંચી હોવાનું અને ફરિયાદની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.