(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
કેરળના કોટ્ટાયામના વતની પાદરી ટોમ ઉઝહુન્નાહિલનું અદેનમાંથી અપહરણ કરવામાં આવ્યુંં હતું. તેમને ૧૮ મહિના સુધી યેમેની આતંકીઓ દ્વારા બંદી બનાવી રાખવામાં આવ્યા હતા જેમને મુક્ત કરાવી લેવામાં આવ્યા છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ અંગે જણાવ્યું હતું. ટ્‌વીટર પર પોસ્ટ કરી હતી કે મને જણાવતાં આનંદ થાય છે કે, પાદરી ટોમ ઉઝહુન્નાહિલને મુક્ત કરાવવામાં આવ્યા છે. તેમના અપહરણ બાદથી સ્વરાજે તેમને મુક્ત કરાવવાના સરકારના પ્રયત્નો પર અનેક નિવેદનો આપતા રહ્યા હતા. ઓમાની સરકારે સુલતાન તેના માહિતી મંત્રાલય પર નિવેદન આપ્યું હતું કે, મસ્કતમાંથી પાદરીને બચાવી લેવામાં આવ્યા છે. પાદરી ટોમનું માર્ચ ર૦૧૬માં અપહરણ થયું હતું. અદેનમાં મિશનરી ઓફ ચેરિટી હોમમાં તેઓ રોકાયા હતા. જ્યાં ચાર બંદૂકધારીઓએ ચાર ભારતીય સાધુઓ, બે યેમેની મહિલા કર્મચારી, આઠ રહેવાસીઓ અને ગાર્ડની હત્યા કરી હતી. અપહરણકર્તાઓએ બે વીડિયો જારી કર્યા હતા. જેમાં તેઓ બતાવી રહ્યા હતા કે તે પાદરીને જીવિત છોડશે નહીં તેમજ વીડિયો પરથી જણાઈ રહ્યું હતું કે, પૈસા માટે બંદી બનાવવામાં આવ્યા હોય. પાદરી ટોમ વિશે આ વર્ષે માર્ચમાં સમાચાર મળ્યા કે તેમનું અપહરણ આઈએસઆઈએસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારથી તેમને મુક્ત કરાવવાની ગતિવિધિઓ હાથ ધરાઈ હતી.