(એજન્સી) તા.૨૬
ભાજપ શાસિત એનડીએના ઘટક પક્ષ અપના દલ (એસ) પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું છે કે મોટા સાથી પક્ષોએ નાના પક્ષોનો આદર કરવો જોઇએ અને યોગ્ય મહત્વ આપવું જોઇએ. તેમણે ભાજપને તાકીદ કરી હતી કે ઉ.પ્ર.માં બસપા અને સપા વચ્ચેનું ગઠબંધન ભાજપ માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પડકારરુપ બની રહેશે. આશિષ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે અપના દલ (એસ) જેવા અમે નાના પક્ષો કેટલોક આદર ઇચ્છીએ છીએ. જો અમને યોગ્ય મહત્વ આપવામાં નહીં આવે તો અમારા નેતાઓ અને કાર્યકરોને ખોટું લાગશે એવું આશિષ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણેે ઉમેર્યુ હતું કે તેમનો પક્ષ ભાજપ શાસિત રાજ્ય સરકારના કેન્દ્રીય રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન અનુપ્રિયા પટેલ સાથેના વ્યવહારથી ખુશ નથી. અનુપ્રિયા પટેલ આશિષ પટેલના પત્ની પણ છે. અપના દલ (એસ)ના વડાએ એવો દાવો કર્યો હતો કે અનુપ્રિયા પટેલને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી અને મેડિકલ કોલેજના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું. રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહા એનડીએમાંથી ચાલ્યા ગયા બાદ આશિષ પટેલે આ વિધાનો કર્યા છે. અગાઉ માર્ચમાં ંતેલુગુદેશમ પાર્ટીએ પણ આંધ્રપ્રદેશને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આપવાનો ઇન્કાર કરતા ચાર વર્ષના ગઠબંધન તોડીને એનડીએથી છેડો ફાડી નાખ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ કેટલી બેઠકો પરથી ચૂંટણી લડવા ઇચ્છે છે ત્યારે આશિષ પટેલે જણાવ્યું હતું કે આ વાત યોગ્ય સમયે જાહેર કરવામાં ંઆવશે. તેમણેે ભારપૂર્વક જણાવ્યું હતું કે આશિષ અપના દલ (એસ)નો જનાધાર છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે. પક્ષના ઉમેદવારો અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી અને હરીવંશ પ્રતાપગઢથી ચૂંટણી જીત્યા હતા.

બિહાર બાદ ઉત્તરપ્રદેશમાં NDAમાં ફૂટની આશંકા, કુશવાહા બાદ ‘અપના દળ’ના વ્યવહારથી ભાજપને આંચકો

(એજન્સી) બિહાર, તા.ર૬
ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીની બળવાખોરી બાદ બિહારમાં પોતાના સહયોગીઓ એલજેપી અને જેડીયુને પોતે નુકસાન સહ કર મનાવ્યા બાદ ભાજપે હજુ માંડ રાહતનો શ્વાસ લીધો હતો કે હવે ઉત્તરપ્રદેશમાં સહયોગીઓની નારાજગીના સમાચારોએ તેની ઊંઘ ઉડાવી દીધી છે. યોગી સરકારમાં મંત્રી સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર બાદ હવે અપના દળએ રાજ્યની યોગી સરકાર અને ભાજપના રાજ્ય એકમની વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. અપના દળના અધ્યક્ષ આશિષ પટેલએ મંગળવારે રાજ્યની ભાજપ સરકાર પર અપના દળના કાર્યકર્તાઓ અને સહયોગીઓનું સતત અપમાન કરવાનો આરોપ લગાવતા ભાજપ નેતૃત્વને સ્થિતિ સંભાળવાની ચેતણવી આપી છે. બિહાર એનડીએમાં પડેલી તિરાડને સંભાળ્યા બાદ ભાજપ અપના દળના આ વલણથી હેરાન છે. સમાચાર અનુસાર ભાજપ કેન્દ્રીય નેતૃત્વએ અપના દળના અધ્યક્ષ આશિષ પટેલના આરોપોનું સંજ્ઞાન લેતા પાર્ટીના રાજ્ય એકમ પાસે તેની વિસ્તૃત જાણકારી માંગી છે. સમાચાર છે કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં રાજ્યના પ્રવાસ દરમિયાન અપના દળના નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા કરી નારાજગીને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. હાલમાં રાજ્ય એકમ પાસે અપના દળની નારાજગીનું કારણ પૂછવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, અપના દળના અધ્યક્ષ આશિષ પટેલએ મંગળવારે ભાજપની રાજ્ય સરકાર પર હુમલો કરતા જણાવ્યું કે, સહન કરવાની પણ એક સીમા હોય છે. રાજ્યમાં સરકારના આવ્યા પછીથી તેમને કોઈ સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં આવતા નથી. પટેલએ આરોપ લગાવ્યો કે, રાજ્ય પંચમાં સરકારી વકીલોની ભરતીમાં પણ અપના દળને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આશિષ પટેલએ આરોપ લગાવ્યો કે, આ સરકારમાં અપના દળની યોગ્ય વાતો પણ સાંભળવામાં આવતી નથી, જેનાથી કાર્યકર્તા ખૂબ જ નારાજ છે. પટેલએ રાજ્ય સરકાર પર અપના દળની સાથે અપમાનજનક વ્યવહાર કરવાનો આરોપ લગાવતા ભાજપ નેતૃત્વની સ્થિતિ સંભાળવાની ચેતવણી આપતા જણાવ્યું કે, હવે તેમની પાર્ટી આવો વ્યવહાર કોઈ કિંમતે નહીં ચલાવે. ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતૃત્વમાં હાલમાં જ બિહારની પોતાની સહયોગી એલજેપીની તમામ માંગોની આગળ નમતા તેમની નારાજગીને ઘણી મુશ્કેલીથી દૂર કરી છે. આવામાં ઉત્તરપ્રદેશમાં એસપી-બીએસપીના સંભવિત ગઠબંધનથી મળનારા પડકારો પહેલાં જ રાજ્યની બંને સહયોગી પાર્ટીઓના નારાજ થવાથી ભાજપ માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થતી નજર આવી રહી છે.