(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
શિકોગામાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસીક ભાષણની ૧૨૫ મી વર્ષગાંઠ પ્રસંગે દેશની યુનિવર્સિટીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું આજથી ૧૨૫ વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદ વન એશિયાની અવધારણા આપી હતી.આજે વિશ્વ એ વાતને સ્વીકારે છે કે ૨૧ મી સદી આપણી છે. વિવેકાનંદ કહેતા હતા કે જનસેવા એજ પ્રભુસેવા છે. તે વખતના સમાજની કલ્પના કરો, જ્યારે પૂજા-પાઠ અને પરંપરાઓની સમાજમાં પગપેસારો હતો. એવા વિકટ સમયમાં ૩૦ વર્ષનો એક નવયુવાન કહેતા હોય કે મંદિરમાં જવાથી ભગવાન નહી મળે સમાજસેવા કરવાથી ભગવાન મળશે. તેમણે આગળ કહ્યું કે વિવેકાનંદ જીવનમાં ગુરૂની શોધમાં નીકળ્યાં હતા. તેઓ સત્યની તલાશમાં નીકળ્યાં હતા. વડાપ્રધાને કહ્યું કે લોકો પાન ખાઈને પીચકારી ભારત માતા પર મારે છે અને પછી વંદે માતરમ બોલે છે. વંદે માતરમ બોલવાનો ખરો અધિકાર સફાઈકર્મીઓને છે. આપણે સફાઈ કરીએ કે ન કરીએ પરંતુ આપણને ગંદકી કરવાનો અધિકાર નથી. મોદીએ કહ્યું કે મેં જ્યારે પહેલા શૌચાલય પછી દેવાલયની વાત કરી હતી ત્યારે લોકો મારા પર તૂટી પડ્યા હતા. પરંતુ આજે ઘણી દિકરીઓ કહી રહી છે કે શૌચાલય નહીં તો લગ્ન નહીં. મોદીએ આગળ કહ્યું કે સ્વામી વિવેકાનંદમાં આત્મસન્માન હતું. આજે લોકો મેક ઈન ઈન્ડીયાનો વિરોધ કરે છે પરંતુ વિવેકાનંદજી અને જમશેદજી ટાટાની વચ્ચે ભારતમાં ઉદ્યોગ શરૂ કરવાની ચર્ચા થઈ હતી. શું ખાવું કે શું ન ખાવું તેની ચર્ચા કરવી આપણી પરંપરામાં નથી. વિવેકાનંદની વિદેશી નીતિ વન એશિયાની હતી જ્યારે વિશ્વ પર કોઈ આફત આવશે ત્યારે એશિયા દીવાદાંડી બની રહેશે. આજે દરેક કહી રહ્યાં છે કે આ સદી એશિયાની છે.