માંગરોળ, તા.૧૩
ધર્મના નામે ટોળાશાહી દ્વારા સમગ્ર દેશમાં અલ્પસંખ્યકો અને નબળા વર્ગના લોકો પર વધી રહેલી ગુંડાગીરી સામે મૌલાના સૈયદ મહેમુદ મદનીની સૂચનાથી અને સેક્રેટરી મૌલાના હકીમુદ્દીનની દેખરેખ હેઠળ જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા સમગ્ર દેશમાં વિશાળ ‘અમન માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતા અને શાંતિને અવરોધતા ધર્મ ઝનૂની ટોળાશાહી તત્ત્વો સામે જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા સમગ્ર દેશમાં ૧૩ ઓગસ્ટે ૮૫૦થી વધુ શહેરોમાં દરેક ધર્મના લોકોને સાથે રાખી ‘અમન માર્ચ’ કરી બિનસાંપ્રદાયિક દેશમાં અશાંતિ ફેલાવતા સાંપ્રદાયિક તત્ત્વોને હચમચાવી દીધા છે.
સમગ્ર દેશમાં એક જ દિવસે અને એક જ સમયની સાથે માંગરોળ ખાતે પણ જૂનાગઢ જિલ્લા જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા ધી માંગરોળ બયતુલમાલ ફંડ, સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજ અને માંગરોળ તાલુકાના હિન્દુ મુસ્લિમ બંને સમાજના તમામ હોદ્દેદારો, આગેવાનો અને ઉલ્માએ કીરામને સાથે રાખી અમન માર્ચ કરી હતી. હજારોની જનમેદની સાથે આ અમન માર્ચનું પ્રસ્થાન માંગરોળના નવાપરા વિસ્તારમાંથી થઈ લીમડાચોક, જૂના બસ સ્ટેન્ડથી ટાવર ગ્રાઉન્ડમાં પહોંચી હતી.
માંગરોળના ટાવર ગ્રાઉન્ડમાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના આગેવાનોએ અમન માર્ચ સાથે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને સંબોધી અમન અને ભાઈચારનો પૈગામ આપ્યો હતો. અમન માર્ચનું સંચાલન કરતા અ. રઝાકભાઈ ગૉસલિયાએ જણાવેલ કે ૧૯૧૯ સ્થાપિત જમિયત ઉલ્માએ હિન્દે દેશની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દેશની આઝાદીમાં કુરબાની આપનાર મદની ખાનદાનના અમે ફોલોઅર્સ છીએ. અમે મો. અલી ઝીણાના ફોલોઅર્સ નથી. હિન્દુ-મુસ્લિમ લાખો ભાઈઓએ પોતાની જાનની આહુતિ આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે. પરંતુ આજની નવી જનરેશન ઇતિહાસને ભૂલી ગઈ છે. આપણા દેશવાસીઓએ ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ભોગવેલી યાતનાઓને ભૂલી ગઈ છે. આજના યુવાનો સોશ્યલ મીડિયા પર ટાઈમ પાસ કરવામાં અને કોઈ કળી મળી જાય તો અફવાઓ ફેલાવવામાં ખોવાઈ ગઈ છે. અમન માર્ચ દ્વારા જમિયત એવો પૈગામ આપે છે કે આ દેશ કોઈ એકની મિલ્કીયત નથી. આ દેશ હિન્દુ-મુસ્લિમ તહેઝીબ છે.
મૌલાના ઈસ્માઈલ મેસરીયાએ જણાવેલ કે, જમિયતની સેવા સમગ્ર માનવજાત માટે છે. દેશના એક ટકાથી પણ ઓછા લોકો દેશનો ભાઈચારો ખોરવવા માંગે છે. તેમની મેલી મુરાદ ક્યારેય પૂરી નહીં થાય તે આ અમન માર્ચનો સંદેશ છે.
માંગરોળ પોલીસ પીએસઆઇ કલોતરા અમન માર્ચના આયોજનથી ખુશ થયા હતા. રઝાકભાઈ ગોસલીયા દ્વારા સંદેશો આપેલ કે, આજે અમેરિકાના લોકો શાંતિ અને સુખી સમૃદ્ધ છે. પરંતુ ભારતમાં હિન્દુ-મુસ્લિમ બંને એમ કહે છે કે અમે દુઃખી છીએ. તેનું કારણ એ છે કે આપણે જે કામ કરવાના છે તે નથી કરતા અને ના કરવાના કામો કરીએ છીએ. માટે આપણે બધા દુઃખી છીએ.
મૌલાના મુહંમદ કરૂડ દાવડાએ જણાવેલું કે ઇસ્લામ અમન અને શાંતિનો મઝહબ છે. માગરોળમાં આજ સુધી ફસાદ થયા નથી તેનું કારણ પણ એજ છે. બીજે કેટલાક લોકો એવા એજન્ડા મુજબ આપસમાં લડાઈ ઝઘડાઓ કરાવે છે. તેનાથી બચવા આપણે એકબીજાના હક અને લાગણીઓને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ.
કાનાભાઈ રામે જણાવેલ કે, આપણે હિન્દુ-મુસ્લિમ એક માટીમાંથી જન્મેલા ભાઈઓ છીએ. ધરતી પર આવીને જે વાડાઓ થયા છે તે વાડામાં જે પોતાના સ્વાર્થ માટે ભાગ પડાવી તેમની મેલી મુરાદ સિદ્ધ કરવાની વાત કરે તો તેમાં ભરમાતા નહીં અને આપણે હિન્દુ-મુસ્લિમ દેશના વફાદાર બનીને રહીએ.
કિશોરભાઈ રૂપારેલીયાએ જણાવેલ કે, દેશમાં શાંતિ જરૂરી છે. સેક્યુલર વાદના નામે અમુક કોમવાદી તત્ત્વો આપણાને ભરમાવે છે. તેમની વાતમાં આવતા નહીં. હિન્દુ-મુસ્લિમ એક જ છે. ઉપરવાળાએ જેમાં ભેદ નથી કર્યો જેમાં આપણે નીચે આવીને ભેદ કરીએ છીએ.
જૂનાગઢ જમિયતે ઉલ્માએ હિન્દના પ્રમુખ મૌલાના ઈબ્રાહીમ કરૂડ એ જણાવેલ કે, અમન માર્ચનો આ પ્રોગ્રામ આપણા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને કર્યું તે ઘણી ખુશીની વાત છે. હિન્દુ અને મુસ્લિમ તમામ માનવતાની દૃષ્ટિએ એકતા અખંડતા અને પ્યાર મોહબ્બતથી રહે. આ કામ ફક્ત જમિયતનું નહીં પરંતુ આપણા તમામનું છે.
યોગેશભાઈ ઠાકર એ જણાવેલ કે, બધાનું ખૂન એક જ હોવાથી હિન્દુ-મુસ્લિમ બધા એક જ છે.
અમન માર્ચના અધ્યક્ષ સ્થાનેથી યુસુફ ભાઈ પટેલે જણાવેલ કે, અમુક લોકો સત્તાની ખુરશી સુધી પહોંચવા માટે હિન્દુસ્તાનીઓને અંદર લડાવે છે. ઈશ્વર અલ્લાહ એક જ છે અને આપણે તેની મખલુક છીએ. આપણામાં પ્યાર મોહબ્બત એકતા હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે ભારત સામે આંગળી ચીંધી શકે.
તેમણે વધુમાં જણાવેલ કે માંગરોળમાં ક્યારેય કોમી રાઈટ્‌સ થયા નથી તેનો જશ માંગરોળના દરેક સમાજના સમજદાર આગેવાનો, ધાર્મિક વડાઓ અને ઉલ્માએ કિરામને આપીશ. બીજે રાઈટ્‌સ થાય છે તો તે આગેવાનો, ધાર્મિક વડાઓ અને ઉલ્માઓથી પણ સળગે છે. ખુદા માંગરોળ જેવું અમન અને ભાઈચારીનું વાતાવરણ આખા ભારતમાં ઊભું કરે. કોઈ પણ સમાજ ખરાબ હોતો નથી સમય આવે એટલે રાજકીય લોકો નાત-જાત ધર્મના વાડાઓ ઊભા કરી સત્તા માટે લડાવે છે.
મૌલાના ઈબ્રાહીમ ઉદીયાએ જણાવેલ કે, માંગરોળમાં કાનૂન વ્યવસ્થામાં ક્યારેય ખલેલ પડતો નથી. પોલીસ અધિકારીઓ પણ માંગરોળ આવી શાંતિ અનુભવે છે. કેમ કે માગરોળમાં ક્યારેય પણ હિન્દુ-મુસ્લિમ સમાજ લડતો નથી. તેમણે શાયરાના અંદાજમાં જણાવેલ કે,
નયા પ્યાર કા એક ચલન ચાહતા હું
મેં ગંગા ઓર ઝમઝમ કા મિલન ચાહતા હું.
રહે સાથ હિન્દુ-મુસ્લિમ મિલકર.
મે દીન-રાત રો રો કે દુઆ ચાહતા હું.
આ અમન માર્ચ માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ હાજી યુસુફ એમ. પટેલની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં હિન્દુ સમાજના કાનાભાઈ રામ, જેઠાભાઇ નંદાણીયા, જેઠાભાઇ મંત્રી, ભરતભાઈ વસાવડા, યોગેશ ભાઈ ઠાકર, કિશોરભાઈ રૂપારેલીયા, બળવંતસિંહ સોલંકી, ધી માંગરોળ બૈતુલમાલ ફંડના પ્રમુખ હનીફભાઈ પટેલ પાલિકા પૂર્વ પ્રમુખ મો. હુસેન જેઠવા ઝાલા, મૌલાના મોહંમદ કરૂડ. જમિયતે ઉલ્મા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ મૌલાના ઈબ્રાહિમ કરૂડ, મૌલાના ઈબ્રાહિમ ઉદીયા, મૌલાના દાઉદ પીર, મુફતી દાઉદ ફકીરા. મૌલાના મૉહંમદ હુશેન કરૂડ. મૌલાના અ.કાદીર ઉદીયા. મુફ્તી ગફુર પટેલ, ઈબ્રાહીમ બાપુ ઉદયા, હસન વરામ અ. રઝાકભાઈ ગોસલિયા. હાફીઝ આહમદ હાજીબા, મુનાફ ભાઈ મેમન, હારૂનભાઈ કોતલ, સિદ્દીકભાઈ ચૌહાણ, હનીફ બતક, ઈબ્રાહીમ વરામ, ભીખુભાઈ કબાડી, યુસુફ કાલવાત(વકીલ) ઇબ્રાહીમ સલ્લેઅલા, એચ. એચ. બેરા, ફરીદ ઈસ્બાની, બાદરખા બેલીમ, હસન બેરા, મુસા કુલાળા, હાફીઝ મુહંમદ ઘમેરિયા સહિતના હિન્દુ-મુસ્લિમ બંને આગેવાનો અને ઉલ્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અમન માર્ચમાં હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ લોકો જોડાયા હતા.