(એજન્સી) તા.રર
ગયા શુક્રવારે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની બે મસ્જિદોમાં પ૦ નમાઝીઓને શહીદ કરવાની ઘટનાને અઠવાડિયું પૂરું થતાં શહીદો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જૈસિંડા અર્ડર્ન સાથે હજારો લોકો ક્રાઈસ્ટ ચર્ચ ખાતે એકત્ર થયા હતા. શુક્રવારે સમગ્ર દેશમાં અઝાનનું તેમજ શુક્રવારથી નમાઝનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ગયા શુક્રવારે જે સમયે ઓસ્ટ્રેલિયન આતંકવાદી બ્રેંટન ટેરન્ટે નમાઝીઓ પર ગોળીબાર કર્યો હતો તે સમયે જ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ મૌન પછી વડાપ્રધાન જૈસિંડા અર્ડર્ને હેગ્લી પાર્ક ખાતે શહીદોના સન્માનમાં એકત્ર થયેલા ર૦,૦૦૦ જેટલા લોકોને સંબોધિત કર્યા હતા. હિજાબ પહેરેલા વડાપ્રધાને કહ્યું હતું કે, ન્યુઝીલેન્ડ તમારી સાથે વિલાપ કરી રહ્યો છે. આપણે બધા એક છીએ. તેમણે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ની હદીસ શરીફનો ઉલ્લેખ કરતાં અને સહાનુભૂતિમાં એક શરીરની જેમ હોય છે. જ્યારે શરીરના કોઈ એક ભાગમાં સમસ્યા ઊભી થાય છે ત્યારે સમગ્ર શરીર પીડા અનુભવે છે. આ જ રીતે ન્યુઝીલેન્ડ પણ આ દુઃખમાં તમારી સાથે વિલાપ કરી રહ્યો છે કારણ કે આપણે બધા એક છીએ. મુસ્લિમ સમુદાય સાથે એકતા દર્શાવવા માટે સંખ્યાબંધ મહિલાઓ હિજાબ પહેરીને આવી હતી. અલ-નૂર મસ્જિદના ઈમામ ગમાલ ફૈખાએ જુમ્આના ખુત્બા દરમિયાન શ્વેત સર્વોપરિતાની શૈતાની વિચારધારાની નિંદા કરી ન્યુઝીલેન્ડવાસીઓના સમર્થનને બિરદાવ્યું હતું. ફૌદાએ કહ્યું હતું કે, હું ન્યુઝીલેન્ડવાસીઓ અને સમગ્ર વિશ્વના માનવીઓની આંખમાં પ્રેમ અને કરૂણા જોઈ રહ્યો છે. ગયા શુક્રવારના હુમલામાં પોતાના પતિ અને પુત્રને ગુમાવનાર સલ્વા મુસ્તુફાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આ હુમલાના કારણે મુસ્લિમ સમુદાય વધુ મજબૂત બન્યો છે. તેમણે કહ્યું હતું કે, જો તેઓ વિચારે છે કે, તેઓ અમારો વિનાશ કરી રહ્યા છે તો તે ખોટું વિચારી રહ્યા છે. જે પણ થયું તેનાથી અમે વધારે મજબૂત બન્યા છીએ કારણ કે અમે આતંકવાદી નથી. ફૌદાએ કહ્યું હતું કે, લોકો કહે છે કે, મુસ્લિમો આતંકવાદી છે. પરંતુ સમગ્ર વિશ્વએ જોઈ લીધું કે આતંકવાદી કોણ છે. મુસ્લિમો શાંતિ અને પ્રેમના સમર્થક છે આતંકવાદના નહીં.