(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
ગુજરાતની ટૂંકી મુલાકાતે પધારેલ વડાપ્રધાન મોદીએ આજે સાંજે અક્ષરધામ મંદિરના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે અક્ષરધામ મંદિરને યુનિવર્સિટી કેસ સ્ટડીની જેમ જુએ. આ સાથે તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના તેને ટોણો મારતાં કહ્યું હતું કે પ્રમુખ સ્વામી સમયના બંધનોમાં બંધાયેલ ન હતા, જ્યારે આપણે ઉદ્‌ઘાટન કરવાનું હોય ત્યારે શિલાન્યાસ કરીએ છીએ અને તેનું જીવતું જાગતું ઉદાહરણ નર્મદા યોજના છે.
વડાપ્રધાન મોદી આજે ખાસ અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા તેઓએ મંદિરના કાર્યક્રમમાં પણ આડકતરી રીતે રાજનીતિ કરવાની તક જવા ના દીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજના મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેકનોલોજીનો સમન્વયના વખાણ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આધુનિકતા અને દિવ્યતાનો સુભગ સમન્વય પ્રમુખ સ્વામીએ કર્યો છે. તેઓ સમયને મહત્ત્વ આપી સમયના બંધનોમાં બંધાયેલા ન હતા ત્યારે આપણી સરકારો ર૦૧૮માં ઉદ્‌ઘાટન કરવાનું અને ર૦રરમાં પ્રોજેક્ટનું શિલાન્યાસ કરે.
વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક ચેતનાના કેન્દ્રો ઊભા કર્યા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે અક્ષરધામ મંદિર પછી પ્રમુખ સ્વામી અને તેમની ટીમે એવી પરંપરા ઊભી કરીને આમુલ પરિવર્તન લાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના અક્ષરધામ મંદિરની રજત જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવી પહોંચ્યા તેઓનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજભવન ગયા હતા ત્યાં ટૂંકા રોકાણ બાદ અક્ષરધામ ખાતે પહોંચી વડાપ્રધાન મોદીએ મયુર દ્વારનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને નીલકંઠવર્ણી મૂર્તિનો જલાભિષેક કર્યો હતો. આ સાથે તેમણે પ્રમુખ સ્વામીને હાર અર્પણ કર્યો હતો અને સનાતનમ્‌ શો નિહાળ્યો હતો. તે ઉપરાંત તેમણે અક્ષરધામની રજત જયંતિ નિમિત્તે ખાસ તૈયાર કરાયેલ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. મોદી અક્ષરધામમાં સવા કલાક જેટલું રોકાણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટથી રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા.